'મોરબી બ્રિજ દુર્ઘટના જેવી બેદરકારી..' બિન અનુભવી કંપનીને જ બોટિંગ કોન્ટ્રાક્ટ અપાયાનો ખુલાસો!
વડોદરામાં હરણી તળાવમાં કરુણાંતિકામાં મૃતકાંક વધ્યો, 15 બાળકો અને 2 મહિલા શિક્ષકના મોત
Vadodara Harani lake boat incident: ફરી એકવાર બેદરકારીને પગલે 15 બાળકો સહિત કુલ 17 લોકોએ જીવ ગુમાવી દીધા. વડોદરા પંથકના હરણી તળાવમાં આ હોનારત સર્જાઈ હતી જેમાં હોડી પલટી જતાં 27 લોકો હોડી સાથે ડૂબી ગયા હતા જેમાં 15 લોકો મૃત્યુ પામી ગયા. આ દુર્ઘટનાની અસર અને ગમગીન માહોલ હજુ પણ વડોદરા સહિત આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.
બિન અનુભવી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો
તંત્રની બેદરકારી અંગે એક પછી એક ચોંકાવનારા ખુલાસા પણ થવા લાગ્યા છે. મોરબીની દુર્ઘટના તો તમને યાદ જ હશે. જે રીતે બ્રિજ રિનોવેશનની કામગીરી એક બિનઅનુભવી કંપનીને સોંપી દેવામાં આવી હતી એ જ રીતે અહીં પણ બોટિંગ કોન્ટ્રાક્ટ એક બિન અનુભવી કંપનીને જ આપી દેવાયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે કોટિયા ફૂડ પ્રા.લિમિટેડ નામની એક ફૂડ કંપનીને જ બોટિંગનો પણ કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. કોટિયા કંપની જ અહીં ફૂડનો કોન્ટ્રાક્ટ પણ સંભાળતી હતી.
કંપનીના ડિરેક્ટર સામે ફરિયાદ દાખલ
માહિતી અનુસાર રૂંવાડા ઊભા કરી દેતી આ ઘટનાને પગલે કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. એવી પણ માહિતી છે કે બિનિત કોટિયા રાજકીય રીતે વગદાર માણસ છે અને તેના કારણે જ તેની કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
મૃતકાંક વધીને 17 થયો
ઉલ્લેખનીય છે કે વડોદરાના હરણી તળાવમાં હોડી પલટી જવાની કરુણાંતિકાનો મૃતકાંક હવે 17 પર પહોંચી ગયો છે. જેમાં અત્યાર સુધીમાં 15 માસુમ બાળકો અને 2 મહિલા શિક્ષકો સામેલ છે જેમને કાળ ભરખી ગયો છે. ન્યુ સનરાઇઝ સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો સાથે પિકનિક મનાવવા માટે હરણી તળાવે આવ્યા હતા જ્યાં દુર્ઘટનાનો શિકાર થઇ ગયા હતા.