ગુજરાત વિધાનસભાનું કેલેન્ડર જાહેર : બજેટ સત્રમાં 27 બેઠકો યોજાશે, 20મી ફ્રેબુઆરીએ રજૂ કરાશે બજેટ
Gujarat Assembly calendar : ગુજરાત વિધાનસભાનું વર્ષ 2025-26નું બજેટ સત્ર આ વર્ષે બેઠકો માટે કાર્યરત રહેશે. જેમાં તારીખ 20મી ફેબ્રુઆરીએ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કરશે.
27 બેઠકો માટે ચાલનાર આ સત્ર તારીખ 19મી ફેબ્રુઆરી 2025 થી 28 માર્ચ 2025 સુધી ચાલશે. આ સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન- આભાર પ્રસ્તાવ હશે, શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે.
બજેટ સત્ર હોવાથી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. જેમાં વર્ષ- 2009-2010 અને 2010-2011ના વર્ષ માટેના વધારાના ખર્ચના પત્રકોની રજૂઆત, વર્ષ 2024-2025ના વર્ષ માટેના ખર્ચના પૂરક પત્રકની રજૂઆત અને વર્ષ 2025-2026ના વર્ષ માટેના અંદાજપત્રની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, અંદાજપત્ર - બજેટ પર ચર્ચા, સરકારી સંકલ્પો, માંગણીઓ પર ચર્ચાઓ અને સરકારી- બિન સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા વખતે દોડતાં દોડતાં ઢળી પડ્યો યુવક, હાર્ટ એટેકથી મોત
આગામી વર્ષ માટેની નાણાકીય યોજનાઓ-વિકાસની રૂપરેખા આપશે સરકાર
આ મહત્ત્વપૂર્ણ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્ય બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસ પહેલની રૂપરેખા આપવામાં આવશે. સત્રની શરુઆત રાજ્ય બજેટ રજૂ કરવા સાથે થશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રો માટે મુખ્ય ફાળવણીઓ જાહેર થવાની અપેક્ષા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારની કામગીરીની ચકાસણી કરશે, બેરોજગારી અને ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડ જેવા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરશે તેવી અપેક્ષા છે.