વડોદરાના ફોટોગ્રાફરને પત્ની અને પુત્રી સાથે યુકે મોકલવાના નામે 26 લાખની ઠગાઇ
વડોદરાઃ ફતેગંજ પોલીસ સ્ટેશન નજીક રહેતા એક ફોટોગ્રાફર,તેની પત્ની અને પુત્રીને યુકે મોકલવાના નામે વીઝાનું કામ કરતા કાલીયા બંધુઓએ રૃ.૨૬.૫૨ લાખ પડાવી લેતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સંતોકનગરમાં રહેતા હિમાંશુ કંથારીયાએ પોલીસને કહ્યું છે કે,યુકે ગયેલા મારા મિત્ર દિપક પરમારના ઘેર હું પ્રતિક ધનજીભાઇ કાલીયા અને તેના ભાઇ દિપક કાલીયાના સંપર્કમાં આવ્યો હતો.બંને જણાએ જ્હાનવી ગ્લોબલ વર્ક સોલ્યુશનના નામે કામ કરતા હોવાની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે,હાલમાં યુકેમાં ફોટો ગ્રાફર અને વીડિયો ગ્રાફર માટે સારી તક છે.અમે ઘણા લોકોને વર્ક પરમિટ અપાવી છે.તમારી પત્નીના નામે વિઝા અપાવીને તમને ડિપેન્ડર તરીકે તેમજ તમારી સાથે તમારી પુત્રીને પણ યુકેમાં મોકલી આપશું.તમને નોકરી પણ અપાવી દઇશું.
ફોટોગ્રાફરે કહ્યું છે કે,હું તેમની વાતોમાં આવી ગયો હતો અને મારા પિતા સાથે ઘેર આવી મુલાકાત કરતાં અમે ત્રણ જણાએ ત્રુટક ત્રુટક કુલ રૃ.૨૬.૫૨ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ અમારા વિઝા થયા નથી કે રકમ પણ પરત આપી નથી.જેથી ફતેગંજ પોલીસે પ્રતીક ધનજીભાઇ કાલીયા અને દિપક કાલીયા(બંને રહે.હાલ અરિયન કુટિર, આરોહી રોડ,બોપલ,અમદાવાદ મૂળ ગાંધીનગર સોસાયટી,રતનપુર,સુરેન્દ્ર નગર) સામે ગુનો નોંધ્યો છે.