કચ્છ ભૂકંપને 25 વર્ષ પૂરાં, 20000ના મોત, દોઢ લાખ ઘાયલ, ગુજરાત આ દિવસ ક્યારેય નહીં ભૂલે!
Kutch Earthquake: ખમીરની વાત આવે એટલે વિશ્વના કોઈપણ ખૂણે કચ્છ અને કચ્છી માડુઓનું નામ પહેલું બોલાય. કારણ છે, કૂદરત વારંવાર વિનાશ વેરતી રહી છે અને કચ્છ સતત બેઠું થતું રહ્યું છે એ જ કચ્છી ખમીર છે. વર્ષ 1819 અને 1956 પછી વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું. વર્ષ 2001ના ભૂકંપની પચ્ચીસમી વરસીએ 20,000 લોકોના મોત થયા હોવાની વસમી યાદો ફરી તાજી થાય છે. તો, ઘાયલ થયેલાં દોઢ લાખ લોકો માનસપટલ ઉપર એ વસમા દિવસની યાદ સાથે ફરી ધ્રૂજી ઊઠે છે.
આ દિવસ ક્યારેય નહીં ભૂલે!
ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવભેર થઈ રહી હતી, ત્યારે સવારે 8-45ના ટકોરે આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે, કચ્છ ફરી ઊભું થશે કે કેમ તેવો સવાલ દરેકના મનમાં ઉઠતો હતો. પરંતુ કચ્છ અને કચ્છી માડુઓએ સમયના પડકારને એવી રીતે ઝીલી બતાવ્યો છે કે, ભૂકંપથી ત્રીજી વખત તબાહ થયેલું કચ્છ દુનિયા જોતી રહીજાય તે રીતે વિકાસ પામ્યું છે અને નિખરી ઊઠ્યું છે.
4 લાખ મકાનો ધ્વસ્ત થયા હતા
કચ્છનો એવો વિકાસ થયો છે કે, વિશ્વભરમાં તેની મિશાલ આપવામાં આવે છે. બંદરો હોય, શહેરી વિસ્તાર કે પછી પ્રવાસન, ખેતી કે દૂધ ઉત્પાદન સહિત તમામ ક્ષેત્રે કચ્છ નંબર વન બની અણનમ છે. કચ્છના વિનાશક ભૂકંપની પચ્ચીસમી વરસીએ એક વાત તો સ્વીકારવી પડે કે, દર વર્ષે આવતી ભૂકંપની વરસીએ કચ્છને સુખરૂપ જોઈ રહેલી નવી પેઢી સાથે તાલમેલ મીલાવીને બે દાયકે ફરી જીવનના રસ્તે ચડી ગયેલા લોકો પોતાના ગુમાવેલા સ્વજનોને યાદ કરે છે.
વર્ષ 2001ના કચ્છમાં તારાજી સર્જનાર ભૂકંપ ભચાઉ તાલુકાથી 12 કિ.મી.ના અંતરે ચોબારી ગામ પાસે ઉદભવ્યો હતો અને કચ્છ, અમદાવાદ સહિત 21 જિલ્લાના 700 કિ.મી. વિસ્તારમાં વિનાશક અસર કરી હતી. કુલ ચાર લાખ મકાનો ધ્વસ્ત થયા હતા. હજારો પરિવારો બેઘર અને નોંધારા બની ગયા હતા.
કચ્છના 400 ગામો જમીન દોસ્ત થઈ ગયા હતા
ગુજરાતના મુખ્ય 18 શહેરો અને 182 તાલુકાના 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. જો કે, સૌથી ભૂકંપની સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી. ભુજ, અંજાર, રાપર, ભચાઉ વધુ નુકસાનગ્રસ્ત થયા હતા. કચ્છના 400 ગામો જમીન દોસ્ત થઈ ગયા હતા. 2001ના ભૂકંપના આ અઢી દાયકામાં નાના મોટા આંચકા આજે પણ અનુભવાઈ રહ્યા છે જે વિનાશક ભૂકંપની યાદ અપાવી જાય છે. આ સ્થિતિ વચ્ચે ભાંગીને ઊભા થઈ નિખરી ઊઠવાનું કચ્છી ખમીર કુદરતનો કુઠારાઘાત હોય કે બીજી કોઈપણ સમસ્યા...લડેગે તો જીતેંગે એ વાતનો દ્રઢ વિશ્વાસ આપી જાય છે.