આરટીઇ હેઠળ જિલ્લામાં 2563 અને શહેરમાં 3200 અરજીઓ ઓનલાઇન આવી
- શહેર-જિલ્લાની કુલ 462 અરજી રિજેક્ટ
- ધો.૧માં પ્રવેશ મેળવવા શહેરમાં નિયત સીટ કરતા અઢીગણી અને જિલ્લામાં દોઢી અરજી ભરાઇ
મળતી વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ હેઠળ ખાનગી પ્રા.શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્યે ધો.૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જેમાં ૧ જૂન-૨૦૨૫ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોવા જરૂરી ગણાવ્યા છે. આ વર્ષે આરટીઇ પ્રવેશ પ્રક્રિયા વહેલાસર શરૂ કરવામાં આવી છે. ગઇ તા.૨૮ ફેબુ્રઆરીથી નિયત સાઇટ શરૂ કરાઇ છે જેથી અરજદારો પોતાના ફોર્મ ભરી શકે. તા.૧૨ માર્ચ અંતિમ તારીખ જાહેર કરાઇ છે. મળતી વિગતો મુજબ ભાવનગર શહેરની ૧૧૦ સ્કૂલોમાં ૨૫ ટકા લેખે ૧૨૭૫ જગ્યા સામે કુલ ૩૨૦૦ અરજીઓ થવા પામી છે જે પૈકી ૧૮૦૦ અરજીઓ એપ્રુવ થઇ છે. તો ૩૦૦ અરજી રિજેક્ટ થયેલ છે. જ્યારે બાકીની પેન્ડીંગ રહેવા પામી છે. તો જિલ્લા કક્ષાએ ૧૬૫ શાળામાં ૨૫ ટકા લેખે ૧૬૫૦ જગ્યા સામે ૨૫૬૩ અરજી ઓનલાઇન ભરાઇ છે. જે પૈકીની ૧૭૩૨ એપ્રુવ થઇ છે. ૧૬૨ રિજેક્ટ થયેલ છે. જ્યારે ૩૧૮ કેન્સલ અને ૩૫૨ પેન્ડીંગ હોવાનું જણાયું છે. આમ આરટીઇની નિયત સીટો કરતા જિલ્લામાં દોઢી અને શહેરમાં અઢીગણી અરજીઓ થવા પામી છે.
રિજેક્ટ થવા પાછળ મહદઅંશે આવકના દાખલાની ક્ષતિ
આરટીઇ હેઠલ પ્રવેશ મેળવવા શહેરીકક્ષાએ વાલીની આવક મર્યાદા ૧.૫૦ લાખ અને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર માટે ૧.૨૦ લાખની નિયત થયેલ છે. જેમાં ક્ષતિ હોવા ઉપરાંત આંગણવાડીમાં બે વર્ષ પૂર્ણ ન હોવા, જાતિના દાખલામાં ભુલ હોવી સહિતની ક્ષતિઓના કારણે અરજી ફોર્મ રિજેક્ટ થતા હોવાનું સામે આવ્યું છે.