દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય: ભારે વરસાદ વચ્ચે 2500 લોકોને બચાવાયા, 113 રસ્તા બંધ
South Gujarat Heavy Rain : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપી, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોવાથી કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતાં 2500થી વધુ લોકોને તેમના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં નવસારીમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટી 28 ફૂટ સુધી પહોંચતા નવસારીના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતાં નવસારીના 2200 અને તાપીના 500 જેટલાં લોકોનું શેલ્ટર હોમમાં સ્થાળાંતર કરવામાં આવ્યું છે.
2200 લોકોને શેલ્ટર હોમ મોકલવામાં આવ્યાં
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. તેવામાં તાપી, નવસારી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારી શહેર સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદને પગલે 2200 લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. ભારે વરસાદી માહોલ વચ્ચે 15 મેડિકલ ટીમને તૈનાત કરવામાં આવી છે. નવસારીના અનેક વિસ્તારમાં મોટી માત્રામાં પાણી ભરાતાં 70 જેટલા રોડ અને ચાર મુખ્ય માર્ગો પર અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.
તાપી તાલુકાના 113 આંતરિક રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં તાપી સહિત વ્યારા, વાલોદ, સોનગઢ અને ડોલવણ તાલુકાના અનેક ગામડામાં પાણી ભરાતાં 113 આંતરિક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. તાપીના 500 જેટલાં લોકોનું શેલ્ટર હોમમાં સ્થાળાંતર કરવામાં આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ડોલવણ તાલુકામાં 137 મિ.મી. વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આવતી કાલ સુધી દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.