પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2497 આવાસો સોંપાયા પણ રિપેરીંગના પ્રશ્નોથી રોષ
- તરસમિયા જીએમડીસી ખાતે આવેલ
- કોન્ટ્રાક્ટર રિપેરીંગ નહીં કરતા હોવાનો રહિશોનો આક્રોશ, તો અધિકારીઓએ 220 ફરિયાદનો નિકાલ કર્યાંનો દાવો
ઘરનું ઘર બનાવવામાં માણસની જીંદગી ચાલી જાય તેવી મોંઘવારીએ આટ વાળ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે માત્ર ૩ લાખના નોમીનલ રકમમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકારી જમીનો પર પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવાઇ છે. જે અંતર્ગત ભાવનગરના તરસમીયા જીએમડીસી ખાતે ગત વર્ષ ૨૦૨૩માં ૧૦૨૪ આવાસોનું અને ૨૦૨૪માં ૧૪૭૨ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મોટાભાગના મકાન ધારકો પોતાના આ આવાસમાં સામાન સાથે રહેવા પણ આવી ચુક્યા છે. સામાન્ય રીતે આવાસ બાંધવા નિયમાનુસાર કોન્ટ્રાક્ટર નિમાયા હોય છે અને ચોક્કસ સમય પીરીયડ માટે આ કોન્ટ્રાક્ટરની પણ જવાબદારી હોય છે ત્યારે આ આવાસોમાં ઘણા ઘરોમાં લાદી પોલી બોલવી, નળ લીકેજ હોવા, સંડાસનું વાસણ સરખુ ન હોવુ, દરવાજા દોઢે ચડેલા હોવા જેવી નાની-મોટી ફરિયાદો ઉઠી છે જેનું સમારકામ આ કોન્ટ્રાક્ટર દ્વારા કરી આપવાનું હોય છે પરંતુ આ આવાસ યોજનામાં કેટલાક અરજદારોને સીધો જ સમારકામ માટે નનૈયો ભણી દેવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જો કે, આ અંગે સ્થાનિક અને વડી કચેરી રાજકોટનો સંપર્ક કરતા અધિકારીએ વર્ષ ૨૦૨૩માં લોકાર્પણ થયેલ ૧૦૨૪ આવાસમાં ૮૭ ફરિયાદો આવી હતી જેનો સંપૂર્ણ નિકાલ કરાયો છે અને વર્ષ ૨૦૨૪માં ૧૪૭૨ આવાસો ફાળવાયા છે જેમાં ૧૩૬ આવાસોમાંથી રિપેરીંગની ફરિયાદો આવી છે જેમાં ૯ કાર્યો પ્રગતિમાં હોવાનું જણાયું છે. જ્યારે કોઇપણ રહિશની ફરિયાદ આવે ત્યારે સુથારી, પ્લમ્બર, કડીયા કે ઇલેક્ટ્રીશ્યનને લગત પ્રશ્નોનું નિયત સમય મર્યાદામાં રિપેરીંગ કરી આપવામાં આવતું હોવાનો દાવો કર્યો છે.