વેપારીએ બિમારીને લીધે જેને વહીવટ સોંપ્યો તેણે જ રૂ.24.44 લાખની ઉચાપત કરી

રીંગરોડ આર.કે.ટી માર્કેટના વૃદ્ધ વેપારીએ પરિચિત દલાલના પુત્રને રૂ.18 હજારના પગાર અને વેચાણના એક ટકા કમિશનથી દુકાન સોંપી હતી

જેને વહીવટ સોંપ્યો તેણે દોઢ મહિનાના સમયગાળામાં જે વેપારીઓને માલ વેચ્યો તે તમામની દુકાન બંધ થઈ ગઈ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
વેપારીએ બિમારીને લીધે જેને વહીવટ સોંપ્યો તેણે જ રૂ.24.44 લાખની ઉચાપત કરી 1 - image


- રીંગરોડ આર.કે.ટી માર્કેટના વૃદ્ધ વેપારીએ પરિચિત દલાલના પુત્રને રૂ.18 હજારના પગાર અને વેચાણના એક ટકા કમિશનથી દુકાન સોંપી હતી

- જેને વહીવટ સોંપ્યો તેણે દોઢ મહિનાના સમયગાળામાં જે વેપારીઓને માલ વેચ્યો તે તમામની દુકાન બંધ થઈ ગઈ

સુરત, : સુરતના રીંગરોડ સ્થિત આર.કે.ટી માર્કેટમાં દુકાન ધરાવતા વૃદ્ધ વેપારીએ બિમારીને લીધે જેને દુકાનનો વહીવટ સોંપ્યો હતો તે પરિચિત દલાલના પુત્રએ રૂ.24.44 લાખનું કાપડ મળતીયાઓ વેપારીઓને વેચી પૈસા જમા કરાવ્યો નહોતો.તેણે જે વેપારીઓને દોઢ મહિનાના સમયગાળામાં માલ મોકલ્યો હતો તે તમામ દુકાન પણ બંધ થઈ જતા છેવટે વેપારીએ યુવાન અને 11 વેપારીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિટીલાઇટ અશોક પાન પાસે ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય નિર્મલભાઈ હુલાસચંદ જાલાન રીંગરોડ સ્થિત આર.કે.ટી માર્કેટમાં શ્રી અંબિકા મિલ્સના નામે કાપડની દુકાન ધરાવે છે.ડાયાબિટીસ અને અન્ય બિમારીઓ ધરાવતા નિર્મલભાઈએ ગત ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડીયામાં તેમના પરિચિત દલાલ બાલકીશન દાગા તેમની દુકાને આવ્યા ત્યારે હું બિમાર રહું છું મારે દુકાનમાં કોઈ વિશ્વાસુ સ્ટાફની જરૂર છે તેમ કહેતા બાલકીશન દાગાએ મારા દીકરા ચંદ્રેશને કાપડ લાઈનનો અનુભવ છે અને હું દલાલી કરું છું તેથી તમને સારો વેપાર કરી આપીશું તેમ કહેતા નિર્મલભાઈ બીજા દિવસે ચંદ્રેશ ( રહે.ઘર નં.બી/20, શ્રીનાથજી રો હાઉસ, મોડલ ટાઉન પાસે, ડુંભાલ, સુરત ) ને મળ્યા હતા અને તેની સાથે વાત કરી તેને રૂ.18 હજારના પગાર અને અને વેચાણના એક ટકા કમિશનથી નોકરીએ રાખી દુકાન સોંપી હતી.

પહેલી માર્ચથી નોકરીએ જોડાયેલો ચંદ્રેશ બિમારીને લીધે બપોર પછી જ દુકાને આવતા નિર્મલભાઈને પાર્ટી સાથે ફોન પર વાત કરાવી વેપાર કરવા લાગ્યો હતો.નિર્મલભાઈએ ગત એપ્રિલ માસમાં આર.કે.ટી. માર્કેટમાં જ બીજી જગ્યાએ દુકાન ફેરવી હતી.તે સમયે તેમણે લાંબા સમયથી જેનું પેમેન્ટ બાકી હતું તે રીંગરોડ હીરાપન્ના માર્કેટમાં દુકાન ધરાવતા કુળદેવી ક્રિએશનના કીશનલાલ ચાંદક અને ઓમજી હરકુટને પેમેન્ટ અંગે પૂછ્યું તો તેમણે વાયદા કર્યા હતા.રીંગરોડ મહાવીર માર્કેટમાં અમર ફેશનના નામે વેપાર કરતા ભાવેશ શંભુભાઇ ડોલાર અને વિક્રમભાઇ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હોય તેમજ ગત એપ્રિલ માસમાં રઘુકુળ માર્કેટમાં એસ.ટી.ક્રિએશનના નામે વેપાર કરતા નેપાલ જાનાએ પેમેન્ટની ઉઘરાણી કરતા કોઈ માલ લીધો નથી તેમ કહેતા નિર્મલભાઈને ચંદ્રેશ પર શંકા ગઈ હતી.

વેપારીએ બિમારીને લીધે જેને વહીવટ સોંપ્યો તેણે જ રૂ.24.44 લાખની ઉચાપત કરી 2 - image

નિર્મલભાઈએ ચંદ્રેશને બોલાવી પૂછતાં તેણે 7 માર્ચથી 26 એપ્રિલ દરમિયાન કુલ રૂ.24,44,051 નું કાપડ કુળદેવી ક્રીએશનના કીશનલાલ ચાંદક અને ઓમજી હરકુટ, અમર ફેશનના ભાવેશ શંભુભાઇ ડોલાર અને વિક્રમભાઇ, અભિનંદન માર્કેટમાં અમરનાથ ડીઝાઇનના ગણેશરામ, અભિષેક માર્કેટના લલીતકુમાર બખ્તાવરમલ ચોરડીયા અને રામનીવાસ, જશ માર્કેટના મહાદેવ ટ્રેડીગના વિમલ રાઠી, એસ.ટી.ક્રિએશનના નેપાલ જાના, કમલા માર્કેટના શ્યામ ફેશનના રોશનભાઇ અદ્રેશના અને મુકેશ બારોટને આપી તેમનું પેમેન્ટ જમા કરાવ્યું નહોતું અને તમામે દુકાન બંધ કરી દીધી હતી.આથી છેવટે નિર્મળભાઈએ ચંદ્રેશ અને 11 વેપારીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News