પાવાગઢથી વડોદરા સુધીનો કોર્પોરેશન દ્વારા સર્વે : વિશ્વામિત્રી અને સુર્યા નદી પર 23 બીસ્માર ચેકડેમ
Vadodara : રાજ્ય સરકારમાં તજજ્ઞોની સમિતિએ અહેવાલ રજૂ કર્યા બાદ હવે ચોમાસા પૂર્વે પ્રજાને રાહત થાય તે પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ શરૂ કરવાના ભાગરૂપે વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન પાવાગઢથી વડોદરા સુધીના સ્ત્રાવ વિસ્તારનો સર્વે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રાવ વિસ્તારમાંથી આજવા સરોવર અને પાવાગઢ હાલોલનું પાણી વિશ્વામિત્રીમાં એક સાથે ઠલવાતું રોકવા માટેનું આયોજન કરવામાં આવે તે માટે ચેકડેમ બનાવવા તેમજ વરસાદી કાંસ નાના તળાવો ઊંડા કરવાનું આયોજન કરવું પડે તેવી બાબત સર્વે દરમિયાન જાણવા મળી છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢથી નીકળે છે અને પિંગલવાડા સુધી વહે છે અને ત્યાંથી ઢાઢર નદીમાં જોડાઈ જાય છે. તેમજ પાવાગઢની આજુબાજુના પહાડી એવા સ્ત્રાવ વિસ્તારમાંથી પાણીનો જથ્થો આજવા સરોવરમાં ઠલવાતો હોય છે આ પાણીનો જથ્થો એક સાથે ઝડપથી વહેતો થઈ વિશ્વામિત્રી અને આજવા સરોવરમાં આવે છે અને તેને કારણે ગણતરીના કલાકોમાં જ પૂરની પરિસ્થિતિ વડોદરા શહેરમાં સર્જાઈ જતી હોય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા હવે પાવાગઢથી વિશ્વામિત્રી નદીનું ઉદગમ સ્થાન શરૂ થાય તેમાં ઉત્તર પૂર્વના વિસ્તારમાંથી હાલોલ ખંડીવાડા પાસે દ્રાક્ષ અને ખારી નદીના પાણી નર્મદા કેનાલ નીચેથી પ્રતાપપુરા થઈ આમલીયારા ત્યારબાદ વિરોદ અને દેણા વ્યાસેશ્વર મહાદેવ પાસે સુર્યા નદી સાથે સંગમ થઈ વડોદરા શહેરના હરણી સમા કારેલીબાગ સયાજીગંજ મુંજ મહુડા થઈ વિશ્વામિત્રી નદી વહે છે જેમાં ખલીપુર મારેઠા પાસે જાંબુવા નદી ભેગી થાય છે અને ત્યાંથી પિંગલવાડા પાસે વિશ્વામિત્રી ઢાઢર નદીમાં જોડાઈ જાય છે.
એ જ રીતે પાવાગઢના દક્ષિણ પશ્ચિમનાના સ્ત્રાવ વિસ્તારમાંથી પાણીનો જથ્થો ધનસરવા તળાવમાં થઈ ગુતાલથી વેસ્ટ વિયર થઈ આજવા સરોવરમાં આવે છે અને આજવા સરોવરના બનાવેલા 62 દરવાજામાં થઈ તે પાણીનો જથ્થો વિશ્વામિત્રી નદીમાં ઠલવાય છે. આજવાથી વિશ્વામિત્રી નદી ધનોરા હરીપુરા, વડદલા, પિલોલ ગામના તળાવમાં થઈ અને વરસાદી કાસમાંથી પાણીનો જથ્થો વડોદરા સુધી પહોંચે છે આ પાવાગઢથી દેણા સુધીના વિસ્તારમાં નદીનો ઢોળાવ પ્રતિ કિલો મીટરના બે મીટર અને દેણાથી મારેઠા સુધીનો ઢોળાવ પ્રતિ કિલોમીટરના 40 મીટર અને મારેઠાથી ખંભાતના અખાત સુધીનો ઢોળાવ પ્રતિ કિલોમીટરના 0.10 મીટર રહેલો હોવાથી ખૂબ જ ઝડપથી પાણીનો જથ્થો વડોદરા શહેરમાં આવે છે અને તેનો નિકાલ ખૂબ જ ધીમી ગતિથી થાય છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં ખૂબ જ ઝડપથી ઠલવાતું પાણી પાવાગઢથી વડોદરા વચ્ચે રોકવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવે અને તેમની ટીમના ઇજનેરો એ છેલ્લા 15 દિવસ દરમિયાન પાવાગઢથી વડોદરા વચ્ચે વિશ્વામિત્રી અને આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારનો સર્વે કર્યો હતો. જેમાં વિશ્વામિત્રી નદી પર 14 અને સુર્યા નદી પર 9 જેટલા ચેકડેમ વર્ષો પૂર્વે બનાવ્યા હતા. પરંતુ હાલમાં તે બિસ્માર હાલતમાં હોવાના જણાઈ આવ્યા છે. આ ઉપરાંત પાવાગઢથી વડોદરા વચ્ચે ધનસરવા ગુંતાલ જેવા ગામ તળાવોને ઊંડા કરવાનું આયોજન સર્વે બાદ કરવાનું નક્કી કર્યું છે. જેથી એક સાથે ઝડપથી ઠલવાતો પાણીનો જથ્થો રોકી શકાય તેમ છે.