સુરત શિક્ષણ સમિતિ આયોજિત રાસ-ગરબામાં 2240 બાળ ખેલૈયાઓએ ભાગ લીધો
Surat : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગરબાની ફાઈનલ વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે થઈ હતી. સમગ્ર સ્પર્ધા દરમિયાન 2240 બાળ ખેલૈયાઓએ ભાગ લીધો હતો જ્યારે ફાઇનલમાં 560 ખેલૈયાઓ ગરબા રમ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરદાર સ્મૃતિ ભવન વરાછા રોડ ખાતે રાસ-ગરબા, લોકનૃત્ય ઉજવણી કરવામાં આવી હતી. પાલિકાના જુદા-જુદા 7 ઝોન કક્ષાએ કુલ 141 કૃતિઓમાંથી પસંદ થયેલી 35 કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. સંગીતના તાલે વિધાર્થીઓમાં ઉત્સાહનો એક અનેરો આનંદ જોવા મળ્યો. તેમાં રાસ-ગરબા-લોકનૃત્ય વગેરે વિભાગમાં અલગ-અલગ કૃતિઓની રજૂઆત થઈ. તેમાં દરેક કૃતિઓના શબ્દો કંઇક આગવો સંદેશ આપતા જોવા મળ્યા હતા.
રાસ-ગરબા-લોકનૃત્ય સ્પર્ધાનો પ્રથમ વિજેતા કૃતિ રૂપિયા 16000, દ્વિતીય વિજેતા કૃતિને રૂપિયા 12000 અને તૃતીય વિજેતા કૃતિ પસંદગીને રૂપિયા 8000 આપીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે-સાથે તમામ કૃતિઓના ખેલૈયાઓને પ્રોત્સાહન મળી રહે એ માટે તેમને પણ દરેક કૃતિને 2400 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું. ગરબા-રાસ અને નૃત્યની સ્પર્ધામાં લઘુમતી વિદ્યાર્થીઓ ઉતર્યા હતા. ત્યારે ક્યા વિદ્યાર્થીઓ કયા ધર્મના છે તે ઓળખવા મુશ્કેલ બની ગયું હતું અને આ ગરબામાં સર્વ ધર્મ સંભાવ જેવું જોવા મળ્યું હતું.