25 ફેબ્રુઆરી 2002ના રોજ મોદીનો જ્યાં પહેલો ચૂંટણી વિજય થયો હતો, આજે એ જ દિવસે PM ફરી રાજકોટમાં
PM Narendra Modi In Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે સવારે બેટ દ્વારકા ખાતે મંદિરમાં પૂજા અને અર્ચના કર્યા બાદ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ 'સુદર્શન સેતુ'નું લોકાર્પણ કર્યું હતું. આ પછી તેમણે દ્વારકામાં બોટિંગ અને સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. હવે તેઓ રાજકોટ જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે 22 વર્ષ પહેલા રાજકોટમાંથી વડાપ્રધાન મોદી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને જીતીને રાજકીય સફરની શરુઆત કરી હતી.
22 વર્ષ પહેલા સંગઠનમાંથી રાજકારણમાં આવીને પ્રથમ ચૂંટણી લડ્યા
22 વર્ષ પહેલા 2002ની 24મી ફેબ્રુઆરીએ સંગઠનમાંથી રાજકારણમાં આવીને જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી રાજકોટ-2 (જે આજે રાજકોટ પશ્ચિમ છે) મતક્ષેત્રમાંથી લડયા હતા અને 45,000 હજાર મતે મોદીનું રાજકીય ભાવિ ઘડ્યું હતું. આ પછી નરેન્દ્ર મોદીએ રાજકારણમાં ક્યારેય પણ પાછું વળીને નથી જોયું અને તેમની અને ભાજપની પ્રગતિ કદી અટકી નથી. 25 ફેબ્રુઆરી 2002ના મોદીનો જ્યાં સૌપ્રથમ ચૂંટણી વિજય ઉજવાયો એ મતક્ષેત્રમાં આજે તેઓ 48,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન થયા પછી તેઓ રાજકોટનું ઋણ કદી ભૂલ્યા નથી.
રાજકોટનું ઋણ કદી ભૂલ્યા નથી, એક્સ પર પોસ્ટ કરીને સ્મરણ કર્યું
રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી જીત્યા બાદ તેઓ 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ એટલે કે 10 વર્ષથી વડાપ્રધાનના સર્વોચ્ચ પદે છે, વિશ્વભરમાં તેમનું નામ ગુંજતું થયું છે પરંતુ, તે રાજકોટનું ઋણ ભૂલ્યા નથી. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર બપોરે પોસ્ટ કરીને લખ્યું હતું કે 'રાજકોટનું મારા હૃદયમાં એક ખાસ સ્થાન રહ્યું છે અને હંમેશા રહેશે. આ શહેરની જનતાએ મારામાં વિશ્વાસ મુક્યો હતો અને મારી ચૂંટણીમાં સૌ પ્રથમ વિજય અપાવ્યો હતો.'
પશ્ચિમ બેઠક પર દોઢ લાખ મતદારો હતા
વડાપ્રધાન મોદી જે બેઠક પરથી પહેલી ચૂંટણી લડ્યા હતા, તે રાજકોટ-2 બેઠક ઉપર એ વખતે દોઢ લાખ મતદારો હતા જેમાં 52.5 ટકા મતદાન થયું હતું. સમગ્ર દેશની નજર આ ચૂંટણી પર હતી. મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું- આ ચૂંટણી મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે, જો વિજય મળશે તો આગળ જશું નહીં તો પાછા..અને 2002ની 24 ફેબ્રુઆરીએ તેમણે 52.5 ટકા મતદાનમાં 57.22 ટકા મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન મહેતાને 15,000ની લીડથી પરાજ્ય આપ્યો હતો. જેણે 30,570 (38.68 ટકા) મત મળ્યા હતા. મોદીને 45,298 મત મળ્યા હતા.
દેશના રાજકારણમાં આજે પણ રાજકોટની પેટા ચૂંટણીની ચર્ચા
આ ચૂંટણી પછી તેમની કલ્પનાતીત સફળતાના પગલે આજે દેશભરમાં રાજકોટની ફેબ્રૂઆરી- 2002ની પેટાચૂંટણી ચર્ચા થતી રહે છે. રાજકોટવાસીઓ મોદીને નથી ભુલ્યા અને મોદી રાજકોટને નથી ભૂલ્યા. આજે પણ તેઓ અહીંના ઘણા લોકોને નામથી સંબોધન કરે છે. એ વખતે તેઓ પ્રવચનમાં પાંચ કરોડ ગુજરાતી કહેતા અને આજે ગુજરાતીની સંખ્યા વધીને સાત કરોડ થઈ છે. રાજકોટ એ શહેર છે કે 60 વર્ષ પહેલા ભાજપ એટલે કે જનસંઘને ગુજરાત વિધાનસભામાં એક બેઠકથી પ્રવેશ અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સંઘ અને સંગઠનમાં રહીને ભાજપને જીતાડી શકે તેવી રાજનીતિના ઘડવૈયા રહ્યા છે. બાવીસ વર્ષ પહેલા ભાજપ મોદીના સક્રિય રાજકારણમાં પ્રવેશ અને પ્રથમ વિજય ઉજવતા હતા અને આજે દેશના ગરિમાપૂર્ણ વડાપ્રધાનના આગમનને વધાવવા ઉત્સવ ઉજવી રહ્યા છે.