વડોદરામાં મહાશિવરાત્રીએ 22 શોભાયાત્રાઃ શિવજી કી સવારી માટે 2000 પોલીસ જવાનોનો બંદોબસ્ત
વડોદરાઃ શહેરમાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે ૨૨ જેટલી નાની મોટી શોભાયાત્રા નીકળનાર હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મહાશિવરાત્રીની તમામ શિવ મંદિરોમાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવતી હોવાથી કોઇ પણ સ્થળે અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ એલર્ટ થઇ છે.પોલીસ કમિશનરે તમામ શિવ મંદિરો અને શોભાયાત્રાઓમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ પૈકી પ્રતાપનગર રણુક્તેશ્વર મહાદેવથી પાંચ કિમી દૂર સલાટવાડાના સંતરામ મંદિર સુધી નીકળનારી શિવજી કી સવારીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાતા હોવાથી એસઆરપીની ચાર કંપની સહિત ૨૦૦૦ થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે.
આજે પૂર્વ સંધ્યાએ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોમાં બંદોબસ્તનું રિહર્સલ પણ કરાવ્યું હતું.આ ઉપરાંત સુરસાગર ખાતે મહાઆરતી થનાર હોવાથી તળાવમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના તરવૈયાઓ પણ હાજર રહેશે.