ગુજરાતની શાળાઓમાં 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા, શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય
Gujarat School Holiday : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે તમામ કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી. હવે ગુજરાત શિક્ષણ વિભાગે પણ આ દિવસે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે.
રાજ્યની સરકારી શાળાઓમાં અડધો દિવસ રજા
22 જાન્યુઆરીએ અડધો દિવસ રજા અંગે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેથી તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉપરોક્ત જાહેરનામાનો ચુસ્ત અમલ કરવાની સૂચના અપાય છે.
સરકારી કર્મચારીઓ માટે અડધા દિવસની રજા
આ અવસરે રાજ્યમાં સરકારી કર્મચારીઓને અડધો દિવસની રજા રહેશે. આ અંગે એક જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, 'સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.'
બીજી તરફ, પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મનપા પણ અડધો દિવસ બંધ રહેશે. વડોદરાના વાઘોડિયા GIDCમાં રજા રહેશે. આ ઉપરાંત હિંમતનગર, જેતપુર, ઊંઝા, ખેરગામ, પોરબંદર સહિતના કેટલાક માર્કેટયાર્ડ પણ સ્વૈચ્છિક બંધ રહેશે.