રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : 22 જાન્યુઆરીએ ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું
22 January Holiday : અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ 'રામલલા'ની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે, તેથી તે દિવસે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે, તે દિવસે કેન્દ્રીય-કાર્યાલયો બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તો રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પણ તા.22ને સોમવારે બંધ રાખવાનું જાહેર કરાયું છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે.
રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, 'સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.'
વધુમાં જણાવાયું છે કે, 'આ હુકમો ગુજરાત સરકારની તમામ કચેરીઓને અને રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.'
કેન્દ્ર સરકારે પણ જાહેર કરી છે અડધા દિવસની રજા
કેન્દ્ર સરકારે અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. જેમાં કર્મચારી, લોક-શિકાયત અને પેન્શન મંત્રાલયનાં કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાએલા અધિસૂચના પ્રમાણે દેશભરના કેન્દ્રીય કાર્યાલયો, કેન્દ્રીય સંસ્થાનો અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમો પણ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 સુધી બંધ રહેશે.
પ્રાણ પ્રતિષ્ઠાના યજમાન કોણ હશે?
પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે દેશમાં અને વિદેશમાં વસતા તમામ હિન્દૂઓએ વિવિધ કાર્યક્રમો પણ યોજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે પૂર્વે 11 દિવસનું અનુષ્ઠાન કર્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં નરેન્દ્ર મોદી જ મુખ્ય યજમાન રહેશે.
લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકાશે?
દૂરદર્શન દ્વારા તે સમગ્ર કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન અન્ય ચેનલોને તે સ્વૈચ્છિક રીતે આપવાનું છે. આ ઉપરાંત સાર્વજનિક સ્થળોએ અયોધ્યા-સમારોહનું વિશાળ સ્ક્રીન્સ ઉપર લાઇવ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. નીચે દર્શાવેલા રાજ્યોમાં ૨૨ જાન્યુઆરીએ સંપૂર્ણ રજા રહેશે.
પાંચ રાજ્યોમાં તે દિવસે સંપૂર્ણ રજા રખાશે
ઉત્તરપ્રદેશ : 22 જાન્યુ.એ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાશે તે દિવસે રાજ્યમાં માંસ, માછલી અને દારૂની દુકાનો બંધ રહેશે. સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.
મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે પણ તે દિવસે શાળા-કોલેજો બંધ રાખવા ઉપરાંત લોકોને તહેવાર ઊજવવા પ્રોત્સાહિત કર્યા છે. તે દિવસે 'ડ્રાય-ડે' જાહેર કરાયો છે. ઉપરાંત માંસ અને માછલીની દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. ભાંગની દુકાનો પણ બંધ રહેશે. જન-ભાવનાને વશમાં રાખી કરાયું છે.
ગોવા : ગોવામાં પણ તે દિવસે 'ડ્રાય-ડે' જાહેર કરાયો છે. સરકારી ઓફીસો અને સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવાયું છે.
છત્તીસગઢ : અહીં તમામ સરકારી સ્કૂલો-કોલેજો બંધ રહેશે. સરકારી કચેરીઓ પણ બંધ રહેશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે પોસ્ટ પર જણાવ્યું છે કે -સીયારામને સમગ્ર જગત જાણે છે. હું તેઓને પ્રમાણ કરૃં છું તે દિવસે સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.
હરિયાણા : હરિયાણા સરકારે પણ ૨૨ જાન્યુઆરીએ સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવ્યું છે. સાથે રાજ્યભરમાં દારૂ, માંસ, માછલીની દુકાનો બંધ રખાશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં લોકોને જશ્ન ઉજવવા અનુરોધ કર્યો છે.