દહેગામના ઝાંકની કંપનીમાં ૨૨,૭૬૫ કિલો સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો પકડાયો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જીઆઇડીસીમાં દરોડો પાડવામાં આવ્યો
બે કર્મચારી સહિત ત્રણની ધરપકડ : ખાતરનું મોટું કૌભાંડ ખુલવાની શક્યતા
રાજ્યમાં એક બાજુ હાલ ખેડૂતોને જરૃરિયાત હોવા છતાં યુરિયા
ખાતરનો જથ્થો મળતો નથી ત્યારે સરકાર દ્વારા સબસીડી સાથે આપવામાં આવતા આ યુરિયા
ખાતરનો કંપનીઓમાં બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું
હોવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ
સેલની ટીમને બાતમી મળી હતી કે,
દેહગામ ખાતે આવેલી ઝાંક જીઆઇડીસીમાં એન્જલ રેજીન્સ નામની કંપનીમાં સબસીડી વાળા
યુરિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડયો
હતો અને તેના પગલે હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે તપાસ કરતા અહીંથી
૨૨,૭૬૫ કિલો યુરિયા
મળી આવ્યું હતું જેથી આ કંપનીના સુપરવાઇઝર મયુર પટેલ, કર્મચારી કેતન
પટેલ અને ડ્રાઇવર સંજય ગરાસિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કંપનીના માલિક
સંદર્ભે પૂછપરછ કરવામાં આવતા સંદીપ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ તમામ
વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને આ કૌભાંડના તાર મેળવવા માટે મથામણ શરૃ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સબસીડી વાળા ઝડપાયેલા ખાતર થકી
સરકારની ૬.૬૬ લાખની સબસીડીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે આ ખાતરનો ઉપયોગ કરીને દસ
લાખ રૃપિયાનો ફાયદો મેળવવામાં આવ્યો છે. જો કે હાલ આ મામલે વધુ તપાસ શરૃ કરવામાં
આવી છે અને તેમાં મોટું કૌભાંડ હોવાનું પણ બહાર આવી શકે છે.