Get The App

જિલ્લાની 3 નગરપાલિકા ચૂંટણીમાં 214 ફોર્મ માન્ય

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
જિલ્લાની 3 નગરપાલિકા ચૂંટણીમાં 214 ફોર્મ માન્ય 1 - image


- ગારિયાધાર ન.પા.માં ડમી ઉમેદવારના 4 અને સિહોર ન.પા.માં 8 ફોર્મ રદ્દ કરાયા

- તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની 5 બેઠક માટે કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ટક્કર 

ભાવનગર : ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય-પેટા ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી કરાઈ હતી. જેમાં ત્રણ નગરપાલિકા ચૂંટણીમાં ૨૧૪ ફોર્મ માન્ય ઠર્યા છે. જ્યારે ૧૯ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ તાલુકા પંચાયતની પાંચ બેઠક માટે પેટા ચૂંટણીમાં એક માત્ર લાખણકા બેઠક પર જ બે ફોર્મ અમાન્ય રહ્યા હતા.

સ્વરાજ્યની ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર આજે સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તળાજા નગરપાલિકાની ચૂંટણી માટે રજૂ થયેલા કુલ ૭૧ ફોર્મમાંથી ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના મળી ૦૭ ફોર્મ અમાન્ય રહ્યા હતા. જ્યારે ૨૮ બેઠક માટે ૬૨ નામાંકનને માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે ગારિયાધાર નગરપાલિકાની ૨૮ બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં રજૂ થયેલા ૬૪ પૈકીના ૬૦ ફોર્મ માન્ય અને ડમી ઉમેદવારોના ચાર ફોર્મ રદ્દ કરાયા છે. તેમજ સિહોર તાલુકા પંચાયતની ૩૬ બેઠકની ચૂંટણીમાં ૧૦૨ ફોર્મ માન્ય ઠર્યા છે. જ્યારે ડમી ઉમેદવારોએ રજૂ કરેલા આઠ ફોર્મ અમાન્ય રહ્યા હતા.

આ ઉપરાંત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં તળાજા તા.પં.ની રાજપરા (બે ફોર્મ) અને ઉંચડી (ચાર ફોર્મ) બેઠક માટે ૬ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. સિહોરની વળાવડ અને સોનગઢ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપના બે-બે મળી કુલ ચાર ફોર્મ ભરાયા હતા. તે તમામ ફોર્મ માન્ય ઠર્યા છે. ભાવનગર ગ્રામ્યની લાખણકા સીટ માટે રજૂ થયેલા બે ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે બે ડમી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મનપાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણીમાં સાત ફોર્મ માન્ય

ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં કુલ ૧૦ ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકીના સાત ફોર્મને ચૂંટણી તંત્રે માન્ય રાખ્યા છે. જ્યારે ડમી ઉમેદવારોના ત્રણ ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા હતા. ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી છે, ત્યારે આવતીકાલે હવે ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

તળાજા ન.પા. : ભાજપના 2, કોંગ્રેસના 4, અપક્ષનું એક ફોર્મ રદ્દ

તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને કેટલીક બેઠક ઉપર આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરવા થનગની રહ્યા છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષો-અપક્ષે કુલ ૬૯ ફોર્મ રજૂ કર્યા હતા. જે ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થતાં ભાજપે તમામ સાત વોર્ડના ૨૮ ઉમેદવારોની સામે વોર્ડ નં.૫માં બે ડમી મળી કુલ ૩૦ ફોર્મ રજૂ કર્યા હતા. જેમાંથી આજે બે ડમી ઉમેદવારના ફોર્મ રદ્દ કરાયા છે. તો કોંગ્રેસે પણ વોર્ડ નં.૨માં પાંચ, ૩માં છ અને વોર્ડ નં.૫માં પાંચ ફોર્મ સાથે ૨૮ બેઠક સામે ૩૨ ફોર્મ ભર્યા હતા. તેમાંથી ચાર ડમી ઉમેદવારના ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ વોર્ડ નં.૨માં બે અને વોર્ડ નં.૪માં એક મળી રજૂ કરેલા ત્રણેય ફોર્મ માન્ય ઠર્યા છે. વોર્ડ નં.૧માં એક અને વોર્ડ નં.૭માં ત્રણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. તેમાંથી વોર્ડ નં.૭માં બે ફોર્મ માન્ય અને એક અમાન્ય તેમજ વોર્ડ નં.૧નું એક ફોર્મ માન્ય રહેતા કુલ ૬૨ ફોર્મ માન્ય અને ૦૭ ફોર્મ અમાન્ય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News