સુરતમાં 10 મણની વ્યક્તિએ હાથની નસ કાપી, હોસ્પિટલ લઈ જવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી
Amroli attempted suicide Case: સુરતના અમરોલીમાં દેવું થઇ જતાં 210 કિલોના યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને ચોથા માળેથી સ્ટ્રેચરમાં નીચે ઉતારવામાં પોલીસને પરસેવો પડી ગયો હતો. ફાયર બ્રિગેડના 7 જવાનો અને પોલીસે મળીને મહામુસીબતે ઉંચકીને નીચે એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ સારવાર માટે ખસેડાયો હતો.
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સુરતના અમરોલી વિસ્તારના મિલેનિયમ પાર્ક ખાતે ચોથા માળે રહેતા 43 વર્ષીય કલ્પેશ ચંદુભાઇ ભટ્ટનું દેવું વધી ગયું હતું. જેથી તેઓ સતત માનસિક તણાવ અનુભવતા હતા. રવિવારે બપોરે તેમણે ઘરમાં બંને હાથની નસ કાપી નાખતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેમના પરિવાર સહિતના લોકોને જાણ થતાં ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવી ગઇ હતી.
આ પણ વાંચો: ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ
પણ નવાઇની વાત એ છે કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર કલ્પેશનું વજન અંદાજિત 210 કિલો હોવાથી પરિવારજનો સહિતના લોકો તેને ચોથા માળેથી નીચે ઉતારી એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ શકતા ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા.
આ પણ વાંચો: મહીસાગરમાં અંધશ્રદ્ધાએ મહિલાનો જીવ લીધો, ભુવાએ આપેલું પાણી પીતાં બેભાન થઇ હતી
આ અંગે પોલીસ અને ફાયર બિગ્રેડને જાણ થતા તરત ઘટના સ્થળે ધસી આવ્યા હતા. બાદમાં ફાયર બ્રિગેડના સાત જવાનો, પોલીસ જવાનો અને સ્થાનિકોએ મળીને તેને સ્ટ્રેચરમાં બેસાડીને ચોથા માળે મહામુસીબતે નીચે ઉતારીને એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું.