વડોદરા કોર્પોરેશન દ્વારા મિલકતોની આકારણીનું ક્રોસ ચેકિંગ કરતા 21 લાખ આવક વધી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનરલ ટેક્સ ની આવકના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે હાલ કામગીરી વધારી દેવામાં આવી છે. જેમાં મિલકતોની આકારણી માટે ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું છે. જેના લીધે 19 વોર્ડમાંથી 21 લાખની આવક વધી છે. કોર્પોરેશનના વર્તુળોના કહેવા મુજબ ક્રોસ ચેકિંગમાં રહેણાંક મિલકતનો ધંધાદારી મિલકત તરીકે ઉપયોગ થાય છે કે કેમ તે ચકાસવામાં આવે છે. આ માટે શહેરના તમામ 19 વોર્ડમાં ઝુંબેશ રાખવામાં આવી હતી, અને 40 કર્મચારીઓની 20 ટીમ બનાવી હતી. જેણે આ ચેકિંગ કર્યું હતું. હાલ શહેરના દક્ષિણ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી થઈ રહી છે, જે હજુ બે મહિના સુધી ચાલશે. કોર્પોરેશન દર ચાર વર્ષે એક ઝોનમાં રિવિઝન આકારણી કરે છે. રિવિઝન આકારણીમાં જો બાંધકામમાં ફેરફાર થયા હોય તો તેના આધારે મિલકત વેરા નું બિલ આપવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં રિવિઝન આકારણીથી આશરે 10 કરોડની આવક વધે તેવી શક્યતા છે .હજુ તાજેતરમાં જ ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીનું કામ પૂર્ણ થયું છે. દક્ષિણ ઝોન બાદ પૂર્વ ઝોનની કામગીરી હાથ પર લેવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં જનરલ ટેક્સની આવકનો લક્ષ્યાંક 724 કરોડનો છે, જેમાંથી અત્યાર સુધીમાં 493 કરોડની આવક થઈ ચૂકી છે. બાકી વેરાની વસુલાત માટે હાલમાં વોરંટ અને નોટિસ આપવાની તેમજ સીલ મારવાની કામગીરી ચાલુ છે. મિલકતો સીલ મારવાની કામગીરી 31 માર્ચ સુધી ચાલુ રહેશે. વર્ષ 2025 -26 માં આવકનો લક્ષ્યાંક વધારીને શિક્ષણ ઉપકર સહિત 807.85 કરોડનો કર્યો છે.