નડિયાદના ધંધાર્થી પાસેથી 21 લાખ મેળવી લઈ મકાનનો કબજો ન સોંપ્યો
- આણંદની ઠક્કર વાડી પાસે રહેતા શખ્સે
- 4 વર્ષ બાદ પણ કબજો ન સોંપી ધમકી આપી એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
નડિયાદમાં રહેતા અને કન્સ્ટ્રક્શન તથા ફાઈનાન્સનો ધંધો કરતા કલ્પેશભાઈ રામાભાઈ પટેલની ઓફિસે વર્ષ ૨૦૨૦માં તેમના મિત્ર રવિન્દ્રભાઈ પટેલ (રહે. બોરીયાવી) અને અશોકભાઈ ચીમનભાઈ ઠાકોર (રહે. આણંદ) મળવા આવ્યા હતા. ત્યારે અશોકભાઈએ નાણાંની જરૂર હોવાથી આણંદના ગોપી સિનેમા સામે ઠક્કર વાડી પાસે આવેલું તેમના ભાઈનું મકાન વેચવાની વાત કરી હતી. જેથી કલ્પેશભાઈ આણંદ આવ્યા હતા. જ્યાં મકાનના મૂળ માલિક વિકી ચીમનભાઈ ઠાકોર અને તેમના પત્ની નેહાબેન સાથે મળી મકાનની વેચાણ કિંમત રૂ.૨૧ લાખ નક્કી કરી સોદો કર્યો હતો. જેથી કલ્પેશભાઈએ રૂ.૨૧ લાખ ચૂકવતા વિકી અને અશોકે આ મકાન બે મહિનામાં ખાલી કરી કબજો સોંપવા જણાવ્યું હતું. જોકે, બે મહિના વિત્યા હોવા છતાં મકાનનો કબજો ખાલી ન કરી વધુ બે માસની મુદ્દત માંગ હતી. દરમિયાન માર્ચ-૨૦૨૪માં અશોકભાઈનું અવસાન થયું હતું. જોકે, ચાર વર્ષ વિત્યા છતાં વિકીએ મકાન ખાલી કરી ન આપતા કલ્પેશભાઈ કબજા માટે ગયા હતા. ત્યારે અહીં આવવું નહીં કહી વિકીએ ધાક-ધમકી આપી હતી. જેથી કલ્પેશભાઈએ આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. લેન્ડ ગ્રેબિંગ કમિટી અને કલેક્ટર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવતા આણંદ શહેર પોલીસે વિકી ઠાકોર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.