પાકિસ્તાને ગુજરાતના 21 માછીમારો મુક્ત કરતાં હોળી પહેલાં દિવાળી જેવો માહોલ, લાગણીસભર દ્રશ્યો સર્જાયા
Pakistan Released 21 Fishermen: પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતના માછીમારો પૈકી 22 માછીમારોને મુક્ત કરીને ભારત મોકલવામાં આવ્યા છે તે પૈકી ગુજરાત અને દીવના 21 માછીમારો ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. અહીથી તેઓને તેમના વતન સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દરિયામાં માછલી પકડવા જતા માછીમારોને પાકિસ્તાન દ્વારા ઝડપી લઇને ત્યાની જેલમાં પુરવામાં આવે છે અને યાતનાઓ આપવામાં આવે છે. ભારત સરકારની રજૂઆતો બાદ તબક્કાવાર કેટલાક માછીમારોને છોડવામાં આવે છે તે પૈકી તાજેતરમાં 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં આવ્યા હતા. અહી તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું અને ટ્રેન મારફતે વતનમાં રવાના કરાયા હતા. આ 22 માછીમારોમાં 21 ગુજરાતના છે જ્યારે એક ઉત્તર પ્રદેશનો છે. ગુજરાતના 21 માછીમારો સોમવારે ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. જેમાં 15 ગીરસોમનાથના હતા, 3 દ્વારકાના અને 3 દિવના હતા તેઓને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ તરફ રવાના કરાવામાં આવ્યા છે.
પોરબંદરના માછીમાર આગેવાન અને માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યુ હતુ કે પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી સજા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં માછીમારો સબડતા હતા. આથી તેઓને મુકત કરવા માટે વારંવાર રજુઆતો થતી હતી. આ સાગરપુત્રો જુદા-જુદા પ્રકારની બીમારીઓનો પણ શિકાર થઇ ગયા હતા. તેથી તેમને છોડાવવા માટે સ્થાનિક કક્ષાએથી વારંવાર રજુઆતો કરવામાં આવતી હતી.
ત્યારે પાકિસ્તાન સરકાર દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે 20મી ફેબ્રુઆરીના 22 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. કરાંચીના માલીર ખાતેથી છોડવામાં આવેલા આ 22 ખલાસીઓને તા. 22 ફેબ્રુઆરીના વાઘા બોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેઓ ત્યાંથી તેમના વતન પહોંચ્યા છે. માછીમારોની મુક્તિની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનોને પણ રાહત થઇ છે.અને હોળીના તહેવાર પહેલા દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા 22 માછીમારોમાં ભુપત બાબુ, માલા રામ, કરશન વરજાંગ, ખલીફ અબ્દુલ રહેમાન, મોહન બાઓજી, આસિફ જુનસ, અકબર જુમ્મા, લક્ષ્મણ અર્જુન, મૌજી નાથુ, દીપક બાબુ, રામજી રાજા, હરી હીરા, ટપુ ધૌઉસા, સુરેશ ઉકેરડા, અશોક કાનજી, વિજય થાના, મનોજકુમાર ગોવિંદ, વીનુ ધનજી, મહેશ રામા, સુભાષ હરિ, સંજય જુટો, સૈલેન્દ્ર રામલાલ વગેરેનો સમાવેશ થાય છે.