પેટલાદના ધર્મજ ગામે કમળાના 21 કેસ નોંધાયા, 8 હોસ્પિટલમાં દાખલ
- રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું
- ગામમાં 4 લીકેજ બંધ કરવા આરોગ્ય વિભાગની તાકીદ ગ્રામ પંચાયતે 3 લીકેજ બંધ કર્યા, હજૂ એક બાકી
છેલ્લા થોડા દિવસમાં ગામના ગાંધીચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિતના વિસ્તારોમાંથી કમળાના ૨૧ કેસો નોંધાયા છે. કમળાના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ધર્મજ ગામે દોડી આવ્યા હતા. અધિકારીઓએ રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓ અને વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધીચોક, ચામુંડા વિસ્તાર, ભવાનીપુરા સહિત ચાર સ્થળોએ પાણીની લાઈનમાં લીકેજનું સમારકામ કરવા ધર્મજ ગ્રામ પંચાયતને સુચના આપવામાં આવી હતી. ગામમાં ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના એકેડેમિક અધિકારી ડૉ. રાજેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ધર્મજ ગામમાં કમળાના ૨૧ કેસો નોંધાયા છે. જે પૈકી ૮ વ્યક્તિઓ હાલમાં દાખલ છે. ગામમાં પાણીજન્ય અને દુષિત ખોરાકથી થતો રોગચાળો ફેલાતા આરોગ્ય વિભાગની ૧૧ ટીમોએ કામગીરી હાથ ધરી છે. તેમજ ગ્રામજનોને તાજો અને ગરમ ખોરાક ખાવા, હાથ-પગ ધોવા સહિતની કાળજી લેવા તાકીદ કરવામાં આવી છે.
ધર્મજ ગ્રામ પંચાયતના વહીવટદાર રોનક ભાવસારે જણાવ્યું હતું કે, ગામમાં રોગચાળો ફેલાતા આરોગ્ય વિભાગ દ્વારા પંચાયતને લીકેજ દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. જેને પગલે પંચાયત દ્વારા ગાંધીચોક, ચામુંડા વિસ્તાર સહિત ત્રણ સ્થળોએથી લીકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. જ્યારે ભવાનીપુરાના લીકેજને સાંજ સુધીમાં દૂર કરાશે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા સવાર-સાંજ ક્લોરીનેશનની કામગીરી કરી પાણી છોડવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો. તેમજ ગ્રામજનોને ઉકાળીને પાણી પીવા તાકીદ કરી હતી.