વડોદરામાં ૭૦ કેન્દ્રો પર ૨૧હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તમામ વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સજ્જ : પેપર વિતરણ માટે ૨૬ બૂથ
વડોદરા,આવતીકાલે પી.એસ.આઇ.ની ભરતી માટેની લેખિત પરીક્ષા વડોદરામાં પણ યોજાવાની છે. તેની માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. વડોદરામાં ૭૦ કેન્દ્રો પર ૨૧ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી સર્વેલન્સથી સજ્જ કરવામાં આવ્યા છે.
પી.એસ.આઇ.ની ૩૦૦ પોસ્ટ માટે સમગ્ર રાજ્યમાં આવતીકાલે પરીક્ષા યોજાનાર છે. વડોદરામાં ડીઇઓ કચેરી દ્વારા ૭૦ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે સાડા નવથી સાડા બાર દરમિયાન પ્રથમ પેપર અને બપોરે ત્રણ થી સાંજના છ દરમિયાન બીજું પેપર લેવાશે. પેપર વિતરણ માટે ૨૬ બૂથ છે. દરેક બૂથ પર એક સુપરવાઇઝર અને બે ગાર્ડ રહેશે. શનિવારની રાતથી જ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારની પરીક્ષા માટે બાયોમેટ્રિક સાડા સાત વાગ્યે શરૃ થઇ જશે. બપોરની પરીક્ષામાં બપોરે એક વાગ્યાથી બાયોમેટ્રિક શરૃ થઇ જશે.
તમામ વર્ગખંડો પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષાના સમય દરમિયાન સીસીટીવીથી લિન્ક થયેલા ડિવાઇસ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. માત્ર રેકોર્ડિંગ જ થશે. પરીક્ષા બાદ ઉત્તરવહીઓ માટે સ્ત્રી અધ્યાપન મંદિરમાં બે સ્ટ્રોંગ રૃમ ઉભા કરવામાં આવ્યા છે.
રેલવે સ્ટેશન અને બસ ડેપો પર ૫૦ થી વધુ રિક્ષાઓ સ્ટેન્ડબાય
વડોદરા, પી.એસ.આઇ.ની પરીક્ષા માટે બહારગામથી આવતા પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ના પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા યુનિયનનો સંપર્ક કરી રેલવે સ્ટેશન તેમજ સેન્ટ્રલ એસ.ટી.ડેપો પર ૫૦ થી વધુ રિક્ષાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત કોઇ પરીક્ષાર્થી અટવાઇ જાય તો પોલીસ જવાનો પણ તેઓને કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરશે.