2008 અમદાવાદ બ્લાસ્ટ કેસઃ જાણો અત્યાર સુધીમાં શું બન્યું તેના વિશે
- 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી
અમદાવાદ, તા. 11 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સજાની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે તા. 11 ફેબ્રુારી સુધીનો સમય આપ્યો હતો.પ્રક્રિયા અનુસાર દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે આરોપીઓને સાંભળવા પડે છે. આ માટે ત્રણ સપ્તાહ નો સમય માંગતા નામદાર કોર્ટે તા. 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. આમ સજાની સુનાવણી માટે 11મી ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સજાની જાહેરાત માટે 3 સપ્તાહનો સમય માગ્યો હતો. ત્યારે કોર્ટે આવી કોઈ જોગવાઈ હોય તો જણાવો તેવો જવાબ આપ્યો હતો. આ સાથે જ બચાવ પક્ષે દોષિતોને સુધારાનો અવકાશ આપવા રજૂઆત કરી હતી. તેમણે આરોપીઓની શૈક્ષણિક લાયકાત, પારિવારિક સ્થિતિ અને મેડિકલ પુરાવા રજૂ કરવા સમય માગ્યો હતો. ત્યારે સરકારી વકીલે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે માટે તેમને મહત્તમ સજા થવી જોઈએ તેવી દલીલ કરી હતી.
સરકારી વકીલે કોર્ટમાં રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો રેફરન્સ આપતા જણાવ્યું હતું કે, વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષિતોએ આતંકી કૃત્ય કર્યું છે. કોર્ટે આરોપીઓના ગુનાહિત ઈતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
બાદમાં કોર્ટે જણાવ્યું હતું કે, બચાવ પક્ષના વકીલો આજે જ જેલમાં બંધ દોષિતોની મુલાકાત લે, તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજૂઆત કરે. વકીલો દોષિતોની શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો તેમના પરિવાર પાસેથી મેળવી લે. બુધવાર સાંજ સુધીમાં જયપુર, બેંગલુરૂ, ગયા, ભોપાલ અને અન્ય જેલમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેઈલ્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવે.
સરકારી વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવા માગણી કરી હતી. સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે, સુનાવણી દરમિયાન બચાવ પક્ષએ 3 સપ્તાહનો સમય માગ્યો હતો પરંતુ કોર્ટે ગુરૂવાર સુધીનો જ સમય આપ્યો છે અને 11 તારીખે રજૂઆત કરવા કહ્યું છે.
અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં 14 વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદામાં દેશમાં પહેલી વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટની તે ઘટનામાં 20 સ્થળોએ 21 ધડાકા થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.
આ કેસમાં કોર્ટે કુલ 78 પૈકીના 49 આરોપીઓને UAPA અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA અંતર્ગત 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દોષિતો પૈકીના 1 અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને તાજનો સાક્ષી માનીને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આ બ્લાસ્ટની જવાબદારી ઈન્ડિયન મુજાહિદીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઈસ્લામી નામના ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી. સુનાવણી દરમિયાન આ કેસના કેટલાક આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાંથી તેમણે સુરંગ ખોદીને ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
કાવતરાખોરોએ વિસ્ફોટનો સમય એવી રીતે ગોઠવ્યો હતો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લાસ્ટ બાદ પીડિતોને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે વિસ્ફોટો થાય જેથી બચાવ કામગીરીમાં સામેલ લોકોમાં ભય વ્યાપે અને મોટી જાનહાનિ થાય.
આ સમગ્ર કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા જે પૈકીના 82ની ધરપકડ કરવામાં આવી હતી અને 8 આરોપી હજુ પણ ભાગેડુ છે. આ કેસમાં 1,163 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી જ્યારે 1,237 સાક્ષીને સરકારે પડતા મુક્યા હતા.
વધુ વિગતો માટે વાંચો અહીં...