2006ના આતંકી હુમલામાં સુરતનો શિવાંગ બન્યો હતો ભોગ, હજુ પોતાના પગે ચાલી નથી શકતો
2006 Terrorist attack : કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં સુરતના એક સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ગોઝારા હુમલા બાદ સુરતના જરીવાલા પરિવારની કડવી યાદો ફરી તાજી થઈ છે. 2006માં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના ચાર બાળકોના મોત થયાં હતા. આતંકવાદનો ભોગ બનેલા સુરતના શિવાંગનું બાળપણ છિનવાઇ ગયું છે. આ હુમલામાં તે બચી તો ગયો છે પરંતુ આજે પણ તે પોતાના પગે ચાલી શકતો નથી. પોતાના જુના જખ્મોને યાદ કરીને કહે છે, આતંકવાદથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે આતંકવાદીઓની ધરપકડ નહીં ઠાર કરો, લોકો કાશ્મીર ફરવા ન જાય.
2006ના આતંકવાદી હુમલા બાદ શિવાંગનું બાળપણ અને જવાની છીનવાઈ ગઈ છે. તેમ છતાં હિંમત હાર્યા વિના તે ઓફિસ જાય છે અને કમ્પ્યુટર પર કામ કરે છે. જોકે, આજે પણ તેને કેરટેકર કે પરિવારના સભ્યોએ ઉચકીને લઈ જવો પડે છે. જ્યારે જ્યારે આતંકવાદી હુમલા થાય છે, ત્યારે શિવાંગનો ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી જાય છે.
25 જૂન 2006માં હુમલાનો ભોગ બનેલો શિવાંગ જરીવાલા કહે છે, કારમીરનો આ આતંકવાદે અમારા પરિવારને વેર વિખેર કર્યો હતો અને સમયાંતરે અનેક પરિવારોનો માળો વિખેરી નાખે છે. આ આતંકવાદ સામે સરકારે આકરા પગલાં ભરવા જોઈએ કોઈ પણ આતંકવાદી પકડાઈ તેની પરપડ કરવાના બદલે સ્થળ પર જ ઠાર કરી દેવા જોઈએ. આ ઉપરાંત કાશ્મીરમાં આતંકવાદીથી બચવું હોય તો બીજો ઉપાય એ છે કે લોકોએ ક્યારેય કાશ્મીર ફરવા જવું જોઇએ નહી. આ હુમલા વખતે શિવાંગના મમ્મી હેમાક્ષી જરીવાલા પણ હતા મંગળવારના હુમલા બાદ તેઓ પણ ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમના પર થયેલા હુમલાની યાદો તાજા થઇ હતી.
બીજી સીટ પર હેન્ડ ગ્રેનેડ પડ્યો અને શિવાંગ દિવ્યાંગ બની ગયો
આજથી 19 વર્ષ પહેલાં એટલે કે 2006માં જરીવાલા પરિવારના 22 જેટલા સભ્યો કાશ્મીર પ્રવાસે ગયા હતા. 25 જૂને આ પરિવાર એક બસમાં બેસીને મોગલ ગાર્ડન તરફ જવા નિકળ્યો હતો. મજાક મસ્તી સાથે પરિવાર જતો હતો. ત્યારે બત્તાપુર નજીક આતંકવાદી હુમલો થયો હતો અને હેન્ડ ગ્રેનેડ પ્રવાસી બસ પર ફેંક્યા હતા. જેમાં જરીવાલા પરિવારના ચાર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. હેન્ડ ગ્રેનેડ બીજી સીટ પર પડયો હતો અને પહેલી સીટ પર બેઠેલા 10 વર્ષીય શિવાંગ જરીવાલાને હેન્ડ ગ્રેનેડ માંથી ઉછળેલા છરા પીઠમાં ઘૂસી ગયા હતા તેથી તેની કરોડરજ્જુમાં ભારે નુકસાન થયું હતું. જેના કારણે આજે શિવાંગ ઉભો રહી કે ચાલી શકતો નથી એટલું જ નહીં પરંતુ પગનું હલનચલન પણ કરી શકતો નથી.
આ હુમલા બાદ ઇજાગ્રસ્તોને કાશ્મીરની હોસ્પિટલ લઈ ગયા હતા જ્યા ઓપરેશન બાદ છ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવાર મુંબઈ આવ્યો ત્યાં બીજું ઓપરેશન કરવામાં આવ્યું હતું. માત્ર 10 દિવસના ગાળામાં બે મોટા ઓપરેશન બાદ 17 દિવસે જરીવાલા સુરત આવ્યો હતો પરંતુ આ બે ઓપરેશન બાદ તે પગ પણ હલાવી શકતો નથી. આજે શિવાંગ 29 વર્ષનો થઈ ગયો છે તેમ છતાં તે પોતાના પગ પર ચાલી શકતો નથી.