આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા
Health Worker Strike : આંદોલનકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવાનું રાજ્ય સરકારે શરૂ કર્યુ છે. જેના ભાગરુપે આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે. આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે.
આરોગ્ય કર્મચારીઓની ચીમકી :આંદોલન વધુ ઉગ્ર બનશે, એક હજાર સામે ખાતાકીય તપાસ
અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકલાયાં નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહી છે. આ દરમિયાન, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અંડિગો જમાવ્યો છે.
આ પણ વાંચો: વ્યાયામ શિક્ષકોની આપવીતી: 'નેતાઓ રિબનો કાપે છે અને અમે 45 ડિગ્રી ગરમીમાં આંદોલન...'
દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મિનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ તરફ, આરોગ્ય કર્મચારી સંઘે પણ ચીમકી ઉચ્ચારી છે કે, બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહી પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જિલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયાં છે. પાંચ હજારથી વધુ કર્મચારીઓને શૉ કોઝ નોટિસ અપાઇ છે.