દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની 200 વર્ષથી પરંપરાગત ઘેરૈયા આજે પણ જીવંત
Navratri Special : જેવી રીતે ગુજરાતની ઓળખ ગરબો છે તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની ઓળખ એટલે ઘેર નૃત્ય છે. આ ઘેર નૃત્ય રમે તેને ઘેરૈયાઓ કહેવાય છે. આજે પણ સુરતના કેટલાક વિસ્તારમાં ઘેરૈયાઓ ગરબા રમવા માટે આવે છે અને સુરતીઓ તેને આવકારી તેમનું સન્માન કરે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની 200 વર્ષથી પરંપરાગત ઘેરૈયા આજે પણ જીવંત જોવા મળી રહી છે.
સુરત સહિત ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબાનો માહોલ જામી રહ્યો છે તેવી જ રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઘેર નૃત્ય કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજની 200 વર્ષથી પરંપરાગત ઘેરૈયા છે તેને આજની પેઢી પણ અપનાવી રહી છે. તો બીજી તરફ સુરતીઓ પણ ઘેરૈયાઓને શુકનિયાળ ગણીને સન્માન કરી રહ્યાં છે. તેથી આદિવાસી સમાજનું આ નૃત્ય આજે જીવંત જોવા મળી રહ્યું છે. હાલમાં નવરાત્રી દરમિયાન શહેરના કોટ વિસ્તાર થતા કેટલાક ગામડાઓ સાથે મૂળ સુરતી-ગુજરાતીઓની વસ્તી હોય તેવા વિસ્તારમાં ઘેરૈયા નૃત્ય જોવા મળી રહ્યાં છે.
જોકે, આદિવાસી સમાજની 200 વર્ષ જુની ઘેરૈયાની પરંપરા લુપ્ત થઈ નથી પરંતુ મર્યાદિત થઈ રહી છે. આદિવાસી સમાજની નવી પેઢી આ કલાને જીવંત રાખવા માટે કેટલાક નવા પ્રયોગ પણ કરી રહ્યાં છે. આદિવાસી સમાજ માટે માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી રહેણીકહેણી અને જીવન પધ્ધતિના કારણે ઘેરીયા નૃત્ય ભુલાઈ રહ્યું છે. આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યાં છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ઘેરૈયાની સ્પર્ધા પણ થઈ રહી છે.
ઘેરૈયા અંગેની રસપ્રદ વાત એ છે કે આ ટુકડીમાં એક નાયક હોય છે તેને કવિયો કહેવામાં આવે છે. આ કવિયો ગરબાની જગ્યાએ આદિવાસી ભાષામાં ગીત ગાઈ છે અને ટુકડીના બીજા સભ્યો તેને ઝીલે છે. ઘેરમાં એક ઘોડી વાળો હોય છે, એક લાકડી ઉપર ઘોડાનું માથું બાંધેલું હોય છે. તે લાકડી બે પગ વચ્ચે રાખીને ઘોડો ઘોડો રમે છે. ઘોડેસવાર હોય તેમ ઘેરમાં ઘૂમે છે. ઘેર રમાતી હોય છે ત્યારે જોકેર જેવું પાત્ર પણ રાખવામાં આવે છે જે લોકોનું મનોરંજન પુરૂ પાડે છે.
ઘેરૈયાઓની ટુકડીમાં એક પણ મહિલા નથી હોતી. ઘેરૈયાનું નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહીં પરંતુ કોઈના મૃત્યુના સમયે, બાળક જન્મ્યું હોય તો એને ઘોડી ચડાવી ને ઘેર ગવડાવવામાં આવે છે. ઘેરૈયામાં પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરતા હોય છે. ઘેરૈયાનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે. પુરુષો જ સાડી અને ઉપર બ્લાઉઝ પહેરે છે અને તેઓ ઘેર રમે છે.
ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને રાસ રમી જાય એટલે આખું વર્ષ સુખમય નિવડે તેવી માન્યતા.
આદિવાસી સમાજનું નૃત્ય એવું ઘેરેયાને પણ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધાન ગણવામા આવે છે. આજે પણ સુરતના અનેક લોકોમાં ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને રાસ રમી જાય એટલે આખું વર્ષ સુખમય નિવડે તેવી માન્યતા છે. તેથી સોસાયટીમાં કે શેરીમાં ઘેરૈયા આવે તો કેટલાક લોકો વિશેષ બક્ષીસ આપીને ઘેરૈયાઓને પોતાના ઘરમાં પણ રમાડે છે. ઘેરૈયાઓનું નૃત્ય સાથે અનેક માન્યતા જોડાયેલી છે સૌથી મહત્વની માન્યતા એ છે કે, ઘેરૈયા મંડળી ઘરના આંગણે આવીને રાસ રમી જાય એટલે આખું વર્ષ સુખમય નીવડે છે. આ ઉપરાંત ઘેરૈયાઓ ઘરમાં રમી જાય છે તે ઘરમાં નજર લાગતી નથી તેવી પણ માન્યતા છે. જેના કારણે સુરતના કેટલાક ઘરોમાં આજે પણ ઘેરૈયાઓને ઘરમાં રમાડીને બક્ષીસ પણ આપવામા આવી રહી છે.