16 વર્ષની તરૃણીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખતકેદ
ફરિયાદી તથા પીડીતા સાથે થયેલા ઝઘડાની અદાવતમાં ખોટી ફરિયાદ કર્યાના બચાવને કોર્ટે નકાર્યો ઃ તરૃણીને 3 લાખ વળતર ચુકવવા હુકમ
સુરત
ફરિયાદી તથા પીડીતા સાથે થયેલા ઝઘડાની અદાવતમાં ખોટી ફરિયાદ કર્યાના બચાવને કોર્ટે નકાર્યો ઃ તરૃણીને 3 લાખ વળતર ચુકવવા હુકમ
ત્રણેક વર્ષ પહેલા વરાછા વિસ્તારની 16વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈને દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી યુવકને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર આર.પટેલે તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગના ગુનામાં 20વર્ષની સખ્તકેદ,કુલ 20 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદ તથા પીડીતાને રૃ.3 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
મૂળ ભાવનગર જિલ્લાના શિહોર ટાણા ગામના વતની 20 વર્ષીય આરોપી બીપીન વાલજી ભાઈ ચૌહાણ વિરુધ્ધ ફરિયાદી માતાએ ગઈ તા.24-1-2021ના રોજ પોતાની 16 વર્ષ 6 માસની વયની સગીર પુત્રીને લગ્નની લાલચે ભગાડી જઈ બળજબરીથી બળત્કાર ગુજારી પોક્સો એક્ટના ભંગ બદલ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદી માતા તથા તેના પતિ વતનમાં ગયા હોઈ પોતાની સગીર પુત્રીને વરાછા ખાતે રહેતા દિયર દેરાણીના ઘરે મોકલી હતી.જે દરમિયાન ફરિયાદીના દુરના સંબંધી એવા આરોપી બીપીન ચૌહાણે ભોગ બનનારને લગ્નની લાલચે ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ મુકયો હતો.
આ કેસમાં વરાછા પોલીસે જેલભેગા કરેલા આરોપી વિરુધ્ધ કેસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ભોગ બનનાર તથા આરોપી દુરના સંબંધી થતાં હોઈ ભોગ બનનાર પ્રેમસંબંધ રાખી ટેલિફોનિક વાતચીત કરતા હતા.જે અંગે ફરિયાદી માતા સાથે ઝઘડો થતાં આરોપી વિરુધ્ધ ખોટી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે કુલ 16 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપીને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.જેથી બચાવપક્ષે આરોપી તાજેતરમાં લગ્ન થયા હોઈ માતા-પિતા તથા પત્નીની જવાબદારી છે.સમગ્ર કેસની હકીકત જોતા પ્રેમપ્રસંગ જણાતો હોઈ યુવાન વયના આરોપીને સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી ભોગ બનનારના દુરના સંબંધી થતો હોઈ હાલનું કૃત્ય બાળ,સ્ત્રી અને સમાજવિરોધી ભારતીય સંસ્કૃત્તિને ન છાજે તેવું અધમ કૃત્ય કર્યું હોઈ મહત્તમ સજાની માંગ કરી હતી.જેથી કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 3(એ)(સી) સાથે વાંચતા કલમ-4 તથા કલમ-5 (એલ)(યુ) સાથે વાંચતા કલમ-6 ના ભંગ બદલ ઉપરોક્ત સખ્તકેદની સજા ,દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.