15 વર્ષની તરૃણીને ભગાડી દુષ્કર્મ કરનાર માંગરોલના યુવાનને 20 વર્ષની સખતકેદ
પીડીતાને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 6 લાખ તથા આરોપી રૃા.25 હજાર દંડની રકમ ભરે તો વળતર પેટે ચુકવવા નિર્દેશ
સુરત
પીડીતાને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 6 લાખ તથા આરોપી રૃા.25 હજાર દંડની રકમ ભરે તો વળતર પેટે ચુકવવા નિર્દેશ
બે વર્ષ પહેલાં માંગરોળ તાલુકાની 15 વર્ષની 8 માસની તરૃણીને લગ્નની લાલચે મુંબઈ ભગાડી જઈને એકથી વધુવાર દુષ્કર્મ આચરનાર આરોપીને પોક્સો કેસોની અદાલતના ખાસ એડીશ્નલ સેશન્સ જજ વિનોદ વી.પરમારે તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ-4 તથા 6 ના ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ,કુલ રૃ.25 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.કોર્ટે પીડીતાને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 6 લાખ તથા આરોપી 25 હજાર દંડ ભરે તો દંડની રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.
માંગરોળ તાલુકાના રતોલા ગામમાં ટેકરા ફળીયામાં રહેતા આરોપી આનંદ હરીદાસ ચૌધરી તા.7-8-22ના રોજ ફરિયાદી માતાની 15 વર્ષ 8 માસની વયની સગીર પુત્રીને લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી મુંબઈ-વસઈ ભગાડી ગયો હતો.જ્યાં આરોપીએ ફરિયાદીની પુત્રી સગીર હોવાનું જાણવા છતાં એકથી વધુવાર શરીરસંબંધ બાંધ્યો હતો.આરોપીએ ભોગ બનનારની ફરિયાદી માતાને તા.13-8-22ના રોજ ફોન કરીને તમારી પુત્રીને લગ્ન કરવાના ઈરાદે ભગાડી લાવ્યો છું હાલ મારી પાસે છે તેવો ફોન કર્યો હતો.
જેથી ફરિયાદી માતાએ આરોપી આનંદ ચૌધરી વિરુધ્ધ માંગરોળ પોલીસમાં ઈપીકો-363,366,376(2)(એન) તથા પોક્સો એક્ટની કલમ-4,5(એલ) અને 6 ના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.જેથી માંગરોળ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આ કેસની કાર્યવાહી દરમિયાન આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ રાજકીય દ્વૈષના કારણે હાલની ખોટી ફરિયાદ કર્યાનો તથા આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે કુલ 25 સાક્ષી તથા 29દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી આનંદ ચૌધરીને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ-4 તથા 6 ના ગુનામાં ઉપરોક્ત મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.