16 વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર યુવાનને 20 વર્ષની કેદ
26 વર્ષનો રત્નકલાકાર અશ્વિન મકવાણા તરુણીને રાજકોટ ભગાડી ગયા હતો અને એકથીવધુવાર શરીર સબંધ બાંધ્યો હતો
સુરત
જાન્યુઆરી-2023માં કાપોદરા વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરૃણીને લગ્નની લાલચે રાજકોટ ઉપલેટા ભગાડી જઈને એકથી વધુવાર શારીરિક સંબંધ બાંધી પોક્સો એક્ટનો ભંગ કરનાર 26 વર્ષીય આરોપી રત્નકલાકારને પોક્સો એકટના કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ દોષી ઠેરવી 20 વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા ભોગ બનનારને 50 હજાર વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
મૂળ ગીર સોમનાથ જિલ્લાના જાંબાળા ગીરગામના વતની તથા રત્નકલાકાર તરીકે કામ કરતાં 26 વર્ષીય આરોપી અશ્વિન મનસુખભાઈ મકવાણા(રે. ભરતનગર શોપિંગ સેન્ટર, વરાછા)એ ગઈ તા.6-1-23ના રોજ ફરિયાદી પિતાની 16 વર્ષ 27 દિવસની સગીરાને લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ભગાડી ગયો હતો.ભોગ બનનારથી દશ વર્ષ મોટી વય ધરાવતો આરોપીએ તરૃણીને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના જામટીમડી ગામે વાડીમાં લઈને સગીર હોવાનું જાણવા છતાં એકથી વધુવાર શરીર સંબંધ બાંધ્યો હતો.જે અંગે પીડીતાના ફરિયાદી પિતાએ કાપોદરા પોલીસમાં ઈપીકો-૩૬૩ના ગુના અંગે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન ભોગ બનનાર તથા આરોપી યુવક મળી આવતાં પોલીસે આરોપીની વિરુધ્ધ ઈપીકો-363, 366, 376 (2) (જે) (એન) તથા પોક્સ એક્ટની કલમ-4, 5(એલ)6,8 તથા 10ના ભંગ બદલ ફરિયાદ નોંધી ધરપકડ કરી જેલભેગો કર્યો હતો
આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં ફરિયાદપક્ષે એપીપી દિપેશ દવેની રજૂઆતો બાદકોર્ટે આરોપીને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો.જેથી આરોપીના બચાવપક્ષે આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ હોવા,યુવા વયનો આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવતો ન હોઈ કુટુંબની ભરણપોષણની જવાબદારી આરોપી પર હોઈ ઓછામાં ઓછી સજા કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનાર તરૃણ વયની હોવાનું જાણવા છતાં આરોપીએ તેને વાલીપણાનાં કબજામાંથી ભગાડી જઈ મુગ્ધાવસ્થા નો ગેરફાયદો ઉઠાવી એકથી વધુવાર જાતીય હુમલો કર્યો છે.સ્ત્રીઓ વિરુધ્ધના ગુનાનું પ્રમાણમાં ખુબ મોટો વધારો થતો હોઈ ગંભીર ગુનાને હળવાશથી લેવાને બદલે સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા તથા દંડ અને પીડીતાને વળતર ચુકવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને પોક્સો એક્ટના ભંગના ગુનામાં મહત્તમ સખ્તકેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.કોર્ટે આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ હોવા અંગે બચાવપક્ષની દલીલને માન્ય રાખવા છતાં 26 વર્ષના આરોપીએ પોતાનાથી 10 વર્ષ નાની વયની તરૃણીનો મુગ્ધાવસ્થાનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનો નિર્દેશ આપ્યો છે.