સમા સાવલી રોડ પરની કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો અને તેમના પરિવારના 20 સભ્યો ફસાયા, મદદ માટે પોકાર
Vadodara Rain: વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી વચ્ચે શહેરના સમા સાવલી રોડ પર આવેલી કેન્દ્રીય વિદ્યાલય-2ના શિક્ષકો અને તેમના પરિવારના 20 સભ્યો સ્કૂલના ક્વાર્ટસમાં ફસાઈ ગયા છે.
મળતી વિગતો પ્રમાણે વિશ્વામિત્રીના પૂરના પાણીની સૌથી વધારે અસર સમા-સાવલી રોડ વિસ્તારમાં છે.અહીંયા આવેલી કેન્દ્રીય વિદ્યાલય તો ગઈકાલથી જ બંધ છે પણ સ્કૂલના કેટલાક શિક્ષકો સ્કૂલ કેમ્પસમાં આવેલા સ્કૂલ ક્વાર્ટસમાં રહે છે.
આવા શિક્ષકો અને તેમના પરિવારજનો સહિત 20 લોકો અહીંયા ફસાઈ ગયા છે.આ પૈકીના એક શિક્ષિકા રિતિકા પ્રેમચંદે કહ્યું હતું કે, અમારા ઘરમાં પણ પાણી છે.બહાર છ થી સાત ફૂટ પાણી છે.અમારે ના છૂટકે અગાસી પર આશ્રય લેવો પડ્યો છે.અમારી સાથે નાના બાળકો પણ છે.
તેમણે કહ્યું હતું કે, સવારથી અમે સંખ્યાબંધ ફોન કરીને અલગ અલગ જગ્યાએ મદદ માંગી છે પણ અમને બપોર સુધી મદદ મળી નથી.જે રીતે પાણીની સપાટી વધી રહી છે તે જોતા જલ્દી મદદ નહીં મળે તો અમારી મુશ્કેલી વધી શકે છે.એનડીઆરએફની બોટ પણ અમારી નજર સામેથી પસાર થઈ હતી.અમે બૂમ પણ પાડી હતી.પરંતુ તેમની બોટ રોકાઈ નહોતી.