વડોદરા તંત્રની ઘોર બેદરકારી, કરોડોના ખર્ચે ખરીદેલી 20 સ્પીડ બોટ પૂર વચ્ચે પણ ધૂળ ખાતી રહી
Vadodara Flooding : વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવા માટે એક તરફ બોટના ફાંફા હતા ત્યારે કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે 2016માં ખરીદેલી 15 કરતા વધારે સ્પીડ બોટો ધૂળ ખાતી પડી રહી હતી.
વડોદરાના લોકો હવે એક સૂરે બોલી રહ્યાં છે કે, વડોદરાને ડૂબાડવામાં કોર્પોરેશનના નફફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટોનો ઉપયોગ કરવાનું પણ શાસકોને યાદ આવ્યું નહોતું અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટોનો ઉપયોગ કરવાની તસદી લીધી નહોતી.
મળતી વિગતો પ્રમાણે 2016માં આ બોટો કરોડોના ખર્ચે ખરીદવામાં આવી હતી. જેથી પૂરના સમયે બચાવ કામગીરી માટે તેનો ઉપયોગ કરી શકાય. આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા 1200 કિલોની છે. એટલે આવી બોટમાં 15 થી 20 લોકોને આસાનીથી બેસાડી શકાય તેમ છે.
જોકે વડોદરા મંગળવાર અને બુધવારે અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યું હતું ત્યારે આ બોટો પાણીમાં હોવાની જગ્યાએ આરટીઓ કચેરીના ખૂણામાં શેડની નીચે પડી રહી હતી. તેના પર ધૂળનો થર જામેલો જોવા મળી રહ્યો હતો.
આ બોટોનો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત. આ ઘોર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માગ થઈ રહી છે.