કરમસદને અલગ અસ્તિત્વની માંગ સાથે ધરણાં પર બેઠેલા 20 વ્યક્તિની અટકાયત
- સરદાર સન્માન સંકલ્પ સમિતિના નેજા હેઠળ
- પોલીસના દમનથી ધરણા કાર્યક્રમ રદ કરાયો નવા કાર્યક્રમ યોજી વિરોધ ચાલુ રખાશે
આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા કરમસદવાસીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનપામાં સમાવેશ કરતા સરદાર પટેલના વતનનું અલગ અસ્તિત્વ ભુંસાઈ જવાની ભીતિ હોવાનું જણાવી કરમસદને અલગ તાલુકો જાહેર કરવા અથવા આણંદ મનપાનું નામ કરમસદ મહાનગરપાલિકા કરવાની માંગ સાથે સરદાર સન્માન સંકલ્પ સમિતિ રવિવારથી ધરણાં ઉપર ઉતરી હતી.
જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસથી ચાલી રહેલા ધરણા કાર્યક્રમમાં બુધવારે સાંજે વિદ્યાનગર પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ધરણાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ધરણા ઉપર બેઠેલા ૨૦ સમર્થકોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
સમર્થકો દ્વારા અટકાયતનું કારણ પૂછવામાં આવતા અધિકારીએ જણાવ્યું હતું કે, સિક્યુરિટીના કારણે પરવાનગી રદ કરવામાં આવી છે. જેથી તમે ધરણા કરી શકશો નહીં. હવે કાર્યક્રમ ઉપર રોક લગાવી દેવામાં આવ્યો છે તેમ ઉમેર્યું હતું. એકાદ કલાક સુધી અટકાયતમાં રાખ્યા બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા.
સમિતિ દ્વારા ધરણાસ્થળેથી માંડવો પણ છોડી નાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ધરણાકરનારાઓને બળજબરીપૂર્વક પકડીને પોલીસની ગાડીમાં બેસાડી, ધરણા પુરાં કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લાગ્યા છે. સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસના દમનથી ધરણાના કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સરકાર આંદોલનને કચડી નાખવા માટે સત્તાનો દુરૂપયોગ કરી રહી છે. જે અમે સહન કરવાના નથી. હવે નવા કાર્યક્રમ યોજીને અમે અમારો વિરોધ ચાલુ રાખીશું. સરદાર માટે જીવ આપવો પડે તો પણ અમે તૈયાર છીએ.