ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે 20 લાખની છેતરપિંડી
કુલ 4 અરજદારોને સાયબર ક્રાઇમ પોલીસે રકમ પરત અપાવી : મુંબઈ પોર્ટ પર કન્સાઇન્મેન્ટ પકડાયાનું જણાવી કુલ રૂા. 3 લાખની ઓનલાઇન છેતરપિંડી કરાઇ
રાજકોટ, : ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે અત્યાર સુધી ગઠિયાઓ અનેક લોકો સાથે ઠગાઇ કરી ચૂક્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ અવારનવાર આ બાબતે લોકોને સચેત રહેવા અનુરોધ કરે છે. આમ છતાં વધુને વધુ લોકો ટાસ્ક પૂરા કરવાના નામે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. રાજકોટમાં એક અરજદારે ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના નામે રૂા. 19.82 લાખ જેવી માતબર રકમ ગુમાવી હતી. જેમાંથી તેને માત્ર રૂા. 3.67 લાખ સાયબર ક્રાઇમ પોલીસ પરત અપાવી શકી છે. બાકીની રકમ પરત મેળવવા પ્રયાસો જારી હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ કહી રહી છે.
અરજદાર ધર્મિષ્ઠભાઈ દિનકરરાય ઓઝાને ટેલિગ્રામ એપ પર ટાસ્ક આપી તે પૂરા કરવાના નામે તેની સાથે રૂા. 19.82 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરતાં તેને રૂા. 3.67 લાખ પરત અપાવાયા છે.
આ જ રીતે હાલમાં જ ગઠિયાઓ સ્ટોક માર્કેટમાં રોકાણમાં વધુ વળતરની લાલચ આપી છેતરપિંડી કરી રહ્યા છે. અરજદાર કૃપાલ માંડવિયાને ટેલિગ્રામ એપમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી ગઠિયાઓએ રૂા. 90,508 પડાવી લીધા હતા. જેથી સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરતાં તેને પૂરેપૂરી રકમ પરત અપાવાઇ હતી.
મૂળ યુપીના અને હાલ રાજકોટના પંચાયતનગર ચોકમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા સચિન શ્રીવાસ્તવને અજાણ્યા નંબર પરથી ગઠિયાએ કોલ કરી મુંબઇ પોર્ટ પર એક કન્સાઇન્ટમેન્ટ પકડાયાનું કહ્યું હતું. જેમાં પાસપોર્ટ, લેપટોપ, એમડીએમએ વગેરે મળ્યાનું કહી ફરિયાદ કરવાં માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે કોન્ફરન્સ કોલથી સંપર્કમાં રહેવા સ્કાઇપ નામની મેસેજિંગ એપ ડાઉનલોડ કરાવી હતી. એટલું જ નહીં તેનું આઇડી બનાવડાવી ઇન્વેસ્ટીગેશન માટે જોડાવા માટે કહ્યું હતું. આ ઉપરાંત તેનું બેન્ક એકાઉન્ટ સર્વેલન્સ પર રાખ્યાનું જણાવી રૂા. 3 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે તેની સાથે સીબીઆઈ અને સાયબર ક્રાઇમના નામે ફ્રોડ થયાનું જણાતા સાયબર ક્રાઇમ પોલીસમાં ઓનલાઇન અરજી કરી હતી. જેમાંથી તેને રૂા. 2.70 લાખ પરત અપાવાયા છે.
ચોથા કિસ્સામાં અરજદાર સંજયભાઈ માંકડને એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં તેને એક્સિસ બેન્કના રિવોર્ડ પોઇન્ટને રીડીંગ નહીં કરે તો એક્સપાયર થઇ જશે તેવી માહિતી અપાઇ હતી. જેથી સંજયભાઈએ તેમાં આપેલી લીંક ઓપન કરીને પોતાના બેન્ક એકાઉન્ટની પર્સનલ માહિતી ભરતા એક ઓટીપી આવ્યો હતો. જે સબમિટ કરતાં રૂા. 2.01 લાખની છેતરપિંડી થઇ હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતાં બે દિવસના અંતે તેને પૂરેપૂરી રકમ પરત અપાવાઇ હતી.