બોરસદ- આણંદ મુખ્ય દાંડી માર્ગ પર 40 દબાણો દૂર કરી 20 ફૂટ રોડ ખૂલ્લો કરાયો
સંવેદનશીલ નાપા ગામમાં દબાણો હટાવતી વેળાએ ચૂસ્ત બંદોબસ્ત ખડકાયો
નાપા ટોલથી વાંટા સુધીના રોડ પર લારી- ગલ્લા હટાવવા સાથે જેસીબીની મદદથી ગેરકાયદે ઓટલા તોડી પડાયા
આણંદથી બોરસદ જતા દાંડી માર્ગ ઉપર આવેલા નાપા ગામમાં છ મહિના પહેલા દબાણો દૂર કરાયા હતા. જે દબાણો ફરીથી આવી જતા રવિવારે બપોર પછી બોરસદ પોલીસનો સ્ટાફ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબીની મદદથી નાપા ટોલથી નાપા વાંટા સુધીના રસ્તા ઉપરના ૪૦ જેટલી લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. જેસીબીની મદદથી રોડ ઉપરના પ્લાસ્ટર તથા આરસીસી થયેલા ઓટલા પણ તોડી નાખવામાં આવ્યા હતા.
આણંદ બોરસદ મુખ્ય રોડ ઉપર આવેલ નાપા દાંડી માર્ગ ઉપરના દબાણો દૂર થવાથી અંદાજિત બંને બાજુ થઈને ૨૦ ફૂટ જેટલો રસ્તો ખુલ્લો થયો હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. જ્યારે નાપાથી વિદ્યાનગર વળાંકનો રસ્તો પણ ૨૦ ફૂટથી વધુ ખુલ્લો થતા હવે વાહન ચાલકોને મુશ્કેલીમાંથી રાહત મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદથી બોરસદ જતો આ રોડ દાંડી માર્ગ તરીકે ગણવામાં આવે છે. જેને કારણે જિલ્લા કલેકટરના આદેશ મુજબ દાંડી માર્ગ ઉપરના પણ દબાણો દૂર કરવાના હોવાથી નાપા સંવેદનશીલ ગામ હોવાથી પોલીસ બંદોબસ્ત મોટા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવ્યો હતો.