Get The App

મારે પણ ચૂંટણી લડવી છે; વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપમાં 20થી વધુ દાવેદાર, નિરીક્ષકો મૂંઝવણમાં મુકાયા

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
મારે પણ ચૂંટણી લડવી છે; વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ભાજપમાં 20થી વધુ દાવેદાર, નિરીક્ષકો મૂંઝવણમાં મુકાયા 1 - image

Vav Assembly Bye Election 2024 : ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની નિમણૂક કરી છે. ત્યારે હવે પ્રભારીઓએ સેન્સ લેવાની કામગીરી હાથ ધરી છે. તેવામાં વાવ બેઠક માટે 20થી વધુ નેતાએ દાવેદારી નોંધાવતા હડકંપ મચ્યો છે.

પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલા ત્રણ નિરક્ષકો વાવ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા હતા. ઉમેદવારોની પસંદગી માટે ત્રણેય નિરીક્ષકોએ આજે સવારથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે વાવ બેઠક પર પેટાચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે અને 20થી વધુ દાવેદારોએ ટિકિટની માગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ ફરી ચૂંટણી લડવા માટે તલપાપડ છે. ત્યારે હવે નિરીક્ષકો દાવેદારોના નામોની માહિતી પ્રદેશ ભાજપને સમક્ષ મૂકશે. 

વાવ બેઠક પર ભાજપના દાવેદારો

  • સ્વરૂપજી ઠાકોર
  • તારાબેન ઠાકોર
  • અમથુજી ઠાકોર
  • કરશનજી ઠાકોર
  • ગગજી ઠાકોર
  • વીરાજી ઠાકોર
  • દિલીપ વાઘેલા
  • રજનીશ ચૌધરી
  • મુકેશ ઠાકોર
  • શૈલેષ ચૌધરી
  • લાલજી પેટલ
  • રજની પેટલ
  • ગજેન્દ્રસિંહ રાણા

ભાજપે વાવ બેઠક માટે પ્રભારી અને નિરીક્ષકોની કરી નિમણૂક

ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરાઈ હતી. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વાવ બેઠક માટે 3 નિરીક્ષકોમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ (બગદાણા), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : એક વર્ષથી ધારાસભ્ય વિહોણી પ્રજા! ગુજરાતમાં પેટાચૂંટણી જાહેર છતાં આ બેઠક પર હાલ ચૂંટણી નહીં યોજાય, કારણ કે...

કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે. 

વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ 

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની પૂર્ણ શક્યતા છે. આ વખતે વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી, પરંતુ આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી  વચ્ચેનું ગઠબંધન તૂટશે અને વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તેવી શક્યતાઓ છે.   

આ પણ વાંચો : બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, કોંગ્રેસ સાથે છેડો ફાડી AAP એકલા હાથે લડશે ચૂંટણી

વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. 


Google NewsGoogle News