વડોદરાની બોટોનો વિવાદ CM સુધી પહોંચ્યો, 20થી વધુ બોટ રીપેર નહિ થતાં પૂરમાં કામે ના લાગી
Vadodara Boat News : વડોદરા કૉર્પોરેશનની 20થી વધુ બોટો લાંબા સમયથી રીપેર નહિ થતાં ખરા સમયે કામમાં લાગી ન હતી. આ બોટો લાંબા સમયથી પડી રહી છે અને તેના મેઇન્ટેનન્સની જવાબદારી નિભાવવામાં કોણ નિષ્ફળ ગયું છે, તેની તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી રહી છે.
કૉર્પોરેશન દ્વારા ખરીદવામાં આવેલી હાઇસ્પીડ બોટો રેસ્ક્યુ અને પૂર સામગ્રી માટે ખૂબ જ ઉપયોગી થાય તેમ હતી. આ બોટોની ખરીદી વર્ષ 2016માં કરવામાં આવી હોવાનો અને તેનો આજ સુધી કોઈ ઉપયોગ કરવામાં નહિ આવ્યો હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો.
પૂરના સમયે કૉર્પોરેશનની 12 બોટમાંથી 4 બોટમાં કાણાં પડી ગયા હતા અને ખરા સમયે પડી રહેલી 20થી વધુ બોટ કામમાં લાગે તેમ હતી. પરંતુ આ બોટો ઉપયોગમાં આવે તેમ નહિ હોવાથી રેસ્ક્યુ માટે આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત અમદાવાદ અને સુરતથી મદદ લેવામાં આવી હતી.
બોટોનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચતાં કૉર્પોરેશનના સત્તાધીશો લૂલો બચાવ કરી રહ્યા છે અને આ બોટોનો વડોદરા અને વડોદરાની બહાર અનેક સ્થળે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હોવાની દલીલ કરી રહ્યા છે. આ બોટો પૈકી કેટલીક બોટ વર્ષ 2016 પહેલાં ખરીદવામાં આવી હોવાની અને રીપેરિંગના પાર્ટ્સ નહિ મળતાં હોવાથી તેને મિકેનિકલ ડિપાર્ટમેન્ટના તાબા હેઠળ રાખવામાં આવી હોવાની દલીલ કરવામાં આવી રહી છે.