દાતા ગામેથી અનધિકૃત સંગ્રહ કરાયેલો ૨૦૫૦૦ લિટર ડીઝલનો જથ્થો ઝડપાયો
ખંભાળિયા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો
ડીઝલના ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી મકાનનાં ફળિયામાં કરાતો હતો અનધિકૃત સંગ્રહઃ ચાર શખ્સોની ધરપકડ
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં
આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીકથી અનઅધિકૃત રીતે લાયસન્સ વગર
ડીઝલનું વેચાણ થતું હોવા અંગેની માહિતી રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગને મળતા
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. અનેખંભાળિયા તાલુકાના
દાતા ગામે રહેતા અને ટેન્કરનું ડ્રાઇવિંગ કામ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા
રવુભા જાડેજા (ઉ.વ. ૨૪), દાતા
ગામે રહેતા અને ખલાસી તરીકેનું કામ કરતા ત્રણ શખ્સો ભાવેશ રવાભાઈ સરસિયા (ઉ.વ. ૨૧)
અને ધર્મરાજ ઉર્ફે ધમો જીતુભા જાડેજા (ઉ.વ. ૨૦) તથા પ્રદીપ ઉર્ફે પદીયો રવાભાઈ
સરસિયા (ઉ.વ. ૧૯) નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત ચારે'ય આરોપીઓએ
એકબીજાની મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને ડીઝલના ટેન્કરોના ચાલકો સાથે
મળીને ડીઝલના ટેન્કરોમાં ડીઝલનો જથ્થો ભરીને નીકળતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી
કરવામાં આવતી હતી. આટલું જ નહીં,
કંપનીમાંથી ડીઝલનો જથ્થો જે સ્થળોએ ખાલી કરવાનો હોય, ત્યાં ખાલી નહીં
કરીને જે-તે ટેન્કર ચાલકો દ્વારા પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરવામાં આવતો હતો.
જેમાં ઉપરોક્ત શખ્સો દ્વારા ડીઝલ ચોરી કરી તેમજ અન્ય શખ્સો પાસેથી કરાવીને આ જથ્થો
દાતા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાના મકાનના ફળિયામાં સંગ્રહ કરીને
રાખવામાં આવતો હતો.
અહીં આરોપી શખ્સો દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે અન્ય
સાધનો રાખ્યા વગર તેમજ ડીઝલના સંગ્રહ-વેચાણ અંગે લાયસન્સ કે પરમિટ વગર ડીઝલનો
જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું જાહેર થયું છે. કેરબા તથા ટેન્કરમાં સંગ્રહ કરાયેલા
રૃા. ૧૮.૪૫ લાખનો ૨૦૫૦૦ લીટર ડીઝલનો જથ્થો,
ટેન્કર, સ્કોર્પિયો
કાર તથા ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સહિત કુલ રૃપિયા ૪૪.૧૩ લાખના
મુદ્દા માલ સાથે ચારે'ય
આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે સ્ટેટ
મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. ફિરોજભાઈ બ્લોચની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે ન્યાય
સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી,
આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.ખંભાળિયામાં
સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ નોંધપાત્ર દરોડાની કામગીરીએ
સ્થાનિક વર્તુળમાં ભારે ચર્ચા સાથે ડીઝલ ચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી
પ્રસરાવી છે.