સુરતના બે યુવાને દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં મેળવી સિદ્ધિ, મહારાષ્ટ્રમાં હતી સ્પર્ધા
Surat : મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ સિદ્ધિ મેળવી છે. ટ્રેલ મેરેથોનમાં સુરતના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ 161 કિમીની દોડ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ટ્રેલ રનિંગ મેરેથોન શું હોય છે, કેવી રીતે અને કેવા વિસ્તારમાં દોડવાનું હોય છે, અને તેના માટે કેવી તૈયારી કરવી જોઈએ? આવો જાણીએ વિગતવાર.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મોહાડી ગામ સ્થિત સહ્યાદ્રી ફાર્મ ખાતે બ્લુબ્રિગેડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેરેથોનમાં વિવિધ કેટેગરી હતી. 338 કિમીની દોડ 72 કલાકમાં, 220 કિમીની દોડ 48 કલાકમાં, 161 કિમીની દોડ 30 કલાકમાં, 100 કિમીની દોડ 20 કલાકમાં, 75 કિમીની દોડ 14 કલાકમાં અને 50 કિમીની દોડ 8 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. આ છ કેટેગરીમાં આયોજિત દોડમાં ભાગ લઈને સુરતના બંને દોડવીરોએ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.
મજબૂત મનોબળ અને ઉર્જાની જરૂર
ઓર્થોપેડિક ઈમ્પ્લાન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા મગદલ્લાના દિનેશ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'દોડમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય દોડવીરો જોડાયા હતા. 161 કિમીની દોડમાં ભોજન, પાણી પીવું, ન્હાવું, કુદરતી હાજત દોડ દરમિયાન જ પૂરી કરવાની હોય છે. અમે દોડ માટે સખત પ્રેક્ટિસ કરી હતી. વર્ષોથી દોડવામાં રસ અને પ્રેક્ટિસ હોવાથી દોડ નિયત સમયે પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. તા.9મી ફેબ્રુ.એ સવારે 9.00 વાગ્યે દોડ શરૂ થઇ ત્યારે 24 ડિગ્રી તાપમાન હતું, જે બપોરે વધીને 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. સખત ગરમીમાં સ્ટેમિના જાળવી દોડવામાં મજબૂત મનોબળ અને ઉર્જાની જરૂર હોય છે'.
GPSથી દોડવીરોનું ટ્રેકિંગ
'વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોન’માં દોડવીરોના મોનિટરીંગ માટે GPS આધારિત અદ્યતન ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત હોય છે, જે સ્પર્ધકના મિનીટ ટુ મિનીટ ટ્રેકિંગ કરીને રિયલ ટાઈમ ડેટા વેબપોર્ટલ પર ડિસ્પ્લે કરે છે એમ સિદ્ધિ મેળવનાર અર્પણ ઝાલા જણાવે છે.
કાચા-પાકા રસ્તાઓ, 30 થી 35 ડિગ્રી ગરમી
કોચ તેજલભાઈ લલિતભાઈ મોદીએ દોડવીરોને સખ્ત તાલીમ આપીને દોડ માટે તૈયાર કર્યા હતા. તેજલભાઈ જણાવ્યું હતું કે, વાઈનયાર્ડ અલ્ટ્રા મેરેથોનનો 70 ટકા રૂટ ધૂળવાળા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને 30 ટકા પાકા રસ્તાઓ પર હોય છે. ફળો અને શાકભાજીની ખેતીલાયક જમીન વચ્ચે આવેલા કાચાપાકા રસ્તાઓ પર 30 થી 35 ડિગ્રીની તીવ્ર ગરમી વચ્ચે દોડવાનું હોય છે.
સુરતના 'રનિંગ ફોર હેપીનેસ' ગ્રુપમાં 200 સભ્યો
કોચ તેજલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમે વર્ષ 2017 થી ‘રનિંગ ફોર હેપીનેસ ગ્રુપ’ ચલાવીએ છે, જેમાં નિયમિત રનિંગ કરતા 200 સભ્યો છે. જેમાં 60 મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ ગ્રુપના સભ્યો દર શનિવારે એસવીઆરથી ડુમ્મસ સુધી દોડ કરે છે. અમારૂં ગ્રુપ લાંબા અંતરની અલ્ટ્રા મેરેથોન- ટ્રેલ રનિંગ માટે યુવાનોને પ્રોત્સાહિત કરે છે. રનિંગ માટે કોચિંગનો કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી'.
દોડથી શરીરને અનેક ફાયદા
નિયમિત રીતે દોડવાથી શરીરને અનેક ફાયદા થાય છે. સ્વાસ્થ્ય માટે કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટી ફાયદાકારક હોય છે. સ્નાયુ અને ઘૂંટણ મજબૂત કરે છે. જીવનમાં શિસ્ત આવે છે ડાયાબિટીસની અસર ઓછી થાય છે. એન્ડોર્ફિન રિલીઝ કરી સ્ટ્રેસ ઘટાડે છે. ઘૂંટણ, સ્નાયુ મજબૂત કરે છે
સપોર્ટ ટીમનો મહત્વનો ભાગ
આ સિદ્ધિમાં મહત્વનો ભાગ ભજવનાર સપોર્ટ ટીમમાં કોચ તેજલ મોદી, મેઘા મોદી, મેઘના ઝાલા, મનન ઝાલા, સ્મિતા પટેલ, નિમિષા બોડાવાલા, આરવ પટેલે જહેમત ઉઠાવી હતી. મહારાષ્ટ્રમાં ટ્રેલ રનિંગ લોકપ્રિય છે. સહનશક્તિ, ઉર્જા અને નિશ્ચયની કસોટી સમાન અલ્ટ્રામેરેથોનમાં ગુજરાતીઓ પણ ભાગ લેતા થયા છે.
લાંબા અંતરની ટ્રેલ રનિંગ શું હોય છે?
ટ્રેલ રનિંગ એટલે ધૂળના રસ્તાઓ, જંગલની પગદંડી, પર્વતીય માર્ગો અને ખડકાળ ભૂપ્રદેશ પર કરવામાં આવતી દોડ. તે પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાવા અને મનોહર દૃશ્યોનો આનંદ માણવાની તક આપે છે. વૈવિધ્યસભર ગ્રામ્ય રસ્તાઓ પર દોડવામાં વધુ ચપળતા, સાતત્ય, સંતુલન અને તાકાતની જરૂર પડે છે. ફીટ રેહવા, સ્વાસ્થ્ય જાળવવા માટે ચાલવું અને દોડવું ખૂબ જરૂરી છે. આ મેરેથોનના કારણે કેન્દ્ર સરકારના ‘ફીટ ઇન્ડિયા’ અભિયાનને પણ વેગ મળી રહ્યો છે, અને યુવાનોને પ્રકૃત્તિ તરફ લઈ જવા સાથે સ્વસ્થ અને સક્ષમ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરે છે.