Get The App

સુરત મનપાના પાપે માસૂમનો જીવ ગયો! ગટરમાં પડેલો કેદાર 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
સુરત મનપાના પાપે માસૂમનો જીવ ગયો! ગટરમાં પડેલો કેદાર 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો 1 - image


Surat News: સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. ગઇકાલે (5 ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે  એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ આજે (6 ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી છે. સતત 24 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે.

જણાવી દઈએ કે, અમરોલી - વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આઈસ્ક્રીમ લેવા જતા કેદાર નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો. આ ઘટનામાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે.

સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હતો. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે મહાનગર પાલિકાના લાપરવાહીને પગલે માસુમ બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં માતા સાથે પસાર થઈ રહેલ માસુમ બાળક પડી જવાને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગર પાલિકાના વહીવટી તંત્રના પાપે માસુમ બાળકની બીજા દિવસ સાંજ સુધી પણ કોઈપણ પ્રકારની ભાળ મળી ન હતી. આજે પણ સવારથી ફાયર વિભાગથી માંડીને કતારગામ ઝોનની ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરે એનડીઆરએફની ટીમ પણ ફાયર વિભાગના જવાનો સાથે તપાસમાં જોતરાઈ હતી.

ઘટનાના પગલે લોકોનો આક્રોશ સાતમા આસમાને

ગત રોજ આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની 8 ટીમના જવાનો દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, ભારે પ્રયાસો વચ્ચે પણ માસુમ બાળકની કોઈપણ પ્રકારની ભાળ ન મળતાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા બ્રેધિંગ શુટ પહેરીને ગટરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સિવાય ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાને કારણે મેઈન લાઈનમાં 15 ફુટ સુધી પાણીનો પ્રવાહ જોવા મળ્યો જેને કારણે પણ શોધખોળમાં ભારે વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે. ફાયર વિભાગની સાથે સાથે ઝોનની ટીમ દ્વારા પણ સ્ટ્રોમ ડ્રેનેજથી માંડીને ખાડીમાં તપાસ કરાઈ. બીજા દિવસે પણ બપોર સુધી કેદારનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો સહિત લોકોમાં વહીવટી તંત્રની કામગીરી વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો.  વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન કરીને સુરત મહાનગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું.

સુરત મનપાના પાપે માસૂમનો જીવ ગયો! ગટરમાં પડેલો કેદાર 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો 2 - image

બાળકની માતાએ શું કહ્યું?

આ મામલે બાળકની માતાએ કહ્યું કે, 'અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઇ રહ્યા હતા ત્યારે મેનહોલમાં મારું બાળક પડી ગયું.'

આ પણ વાંચો: વડોદરા: અણખોલના તલાટીની મનમાનીથી ત્રસ્ત ગ્રામ પંચાયતના સભ્યોની સામુહિક રાજીનામાંની ચિમકી

ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો

દુઃખદ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો. બાળકના દાદીએ રડતા રડતા જણાવ્યું હતું કે, 'અમારો કેદાર તમે અમને શોધી આપો. અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં જતો રહ્યો છે. અમારા કેદાર ને પાછો લઈ આવો. અમને બીજું કંઈ જોઈતું નથી. બુધવારી ભરાઈ હતી તેથી નણંદ અને ભાભી બંને અહીં આવ્યા હતા. ત્યાર પછી આઈસ્ક્રીમ લીધો અને આઇસ્ક્રીમ ખાતા હતા. કેદારના હાથમાં આઇક્રીમ આપ્યો હતો અને તે દોડીને માતા પાસે જતાં ગટરમાં પડી ગયો. માત્ર તેનું એક બુટ જ અમારા હાથમાં આવ્યું છે.'

ભારે વાહન પસાર થતા મેનહોલનું ઢાંકણું તૂટી ગયું હતું: ચીફ ફાયર ઓફિસર

ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે, 'મેનહોલનું ઢાકણ ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું. તેમાં હાલમાં એક 2 વર્ષનું બાળક પડી ગયું છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છે. રેસ્ક્યૂ માટે 60-70 કર્મચારીને તહેનાત કરાયા છે. હાલ કોઈ જાણકારી સામે આવી નથી.'

આમ આદમી પાર્ટીએ મનપાને ગણાવી જવાબદાર

સુરતની ઘટનાના પગલે આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક બાળક ગટરમાં પડી ગયું હોવાના કલાકો વીતી ગયા હોવા છતાં હજુ બાળક મળ્યું નથી. આ ઘટનાથી તંત્રની કામગીરી પર મોટા સવાલ ઊભા થાય છે. બાળકને જલ્દી શોધવામાં આવે તે માટે તેમના પરિવાર સાથે આજે AAPના કોર્પોરેટરો ધરણાં પર બેઠા છે.

સુરત મનપાના પાપે માસૂમનો જીવ ગયો! ગટરમાં પડેલો કેદાર 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો 3 - image


Google NewsGoogle News