રાજકોટમાં ભાજપના સસ્પેન્ડ કરાયેલા 2 મહિલા કૉર્પોરેટરોને પક્ષની જવાબદારી સોંપાઈ, ફરી વિવાદ વકર્યો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
રાજકોટમાં ભાજપના સસ્પેન્ડ કરાયેલા 2 મહિલા કૉર્પોરેટરોને પક્ષની જવાબદારી સોંપાઈ, ફરી વિવાદ વકર્યો 1 - image


Rajkot BJP corporator  controversy : રાજકોટ ભાજપમાં સસ્પેન્ડેડ બે મહિલા કૉર્પોરેટરોને ફરી જવાબદારી સોંપવામાં આવતાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકોટ મહાપાલિકાના પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાના બે મહિલા કૉર્પોરેટરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ હવે ફરી તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતાં ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઈ ગયો છે. 

રાજકોટમાં થોડા મહિનાઓ પહેલાં ચર્ચાસ્પદ બનેલા આવાસ યોજના કૌભાંડમાં કૉર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ લીધું હતું અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

શું હતું મુદ્દો

મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં મનસુખ જાદવ અને કવા ગોલતર નામના ભાજપના નેતાઓના નામ આવતાં અને બન્નેએ ઘરનું ઘર હોવા છતાં લાભાર્થી તરીકે જોડાતાં મહિલા કૉર્પોરેટર એવા વોર્ડ નં.5ના વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6ના કૉર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. શહેર ભાજપે પ્રથમવાર ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર  કે ગેરરીતિ થયાનો સ્વીકાર કરીને આ પગલાં લીધા હતા.

કૉર્પોરેટરોના પતિઓ મનસુખ જાદવ અને કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવાપાત્ર લાભાર્થીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું હતું. દેવુબેન જાદવ કાયદો-નિયમન સમિતિના ચેરમેન હતા જેથી તેમનું ચેરમેનપદ પહેલા આંચકી લેવાયું હતું. ત્યારબાદ આ બન્નેને ખુલાસો પૂછવામાં આવ્યો હતો જેમાં બન્નેએ પોતાને ઘરનું ઘર નથી તેવું સોગંદનામુ કર્યું. વળી કોઈ ફોર્મમાં આવું જણાવ્યું નથી. પરંતુ, અધિકારીઓએ રહેણાંકના દસ્તાવેજો માંગતા તે આપતાં અધિકારીઓએ નામ ઉમેર્યા હતા.


Google NewsGoogle News