વિશ્વ આદિવાસી દિવસ પહેલાં 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પાસે 2 આદિવાસીઓની હત્યા, 6 લોકોની ધરપકડ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
વિશ્વ આદિવાસી દિવસ પહેલાં 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પાસે  2 આદિવાસીઓની હત્યા, 6 લોકોની ધરપકડ 1 - image


Statue of Unity : નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા 'આદિવાસી મ્યુઝિયમ' પાસે ચોરીની આશંકામાં બે આદિવાસીઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. નમર્દા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે આ ઘટના 6 ઑગસ્ટની રાતની છે. મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે કરવામાં આવી છે. 

આ અંગેની વિગત એવી છે કે, ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ શનાભાઈ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતો સંજય ગજેન્દ્રભાઈ તડવી બન્ને આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બન્ને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બન્નેને પકડી લઈ હાથ બાંધી દીધા હતા અને બાદમાં એક રૂમમાં લઈ જઈ બન્નેને પ્લાસ્ટિકની પાઇપ, લાકડી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.

આ ઘટના બાદ બન્નેને સારવાર માટે ગરુડેશ્વરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન જયેશ તડવી અને સંજય તડવીનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરુડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હૉસ્પિટલ દોડી ગયા  હતાં. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અમે હુમલો, એટ્રોસિટિ તેમજ અન્ય ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી મ્યુઝિયમમાં કામ કરતાં માર્ગિશ ધીરપડા, દેવલ પટેલ, દીપકકુમાર યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તાની ધરપકડ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે જે લોકો ઝડપાયા છે તેમાંથી બે શખ્સો પંચમહાલ જિલ્લાના જ્યારે અન્ય આરોપીઓ અન્ય રાજ્યના છે.

આ પણ વાંચો : એક બાજુ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બીજી બાજુ કફોડી દશા, 361 શાળામાં માત્ર 1 જ શિક્ષક

આ અંગે ઇજાગ્રસ્ત સંજય તડવીની ફરિયાદ ગરુડેશ્વર પોલીસે નોંધી હતી જેમાં જણાવ્યું હતું કે હું અને મારો મૃત મિત્ર જયેશ બન્ને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા હતા તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા. ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિવિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો.

આ હુમલામાં કથિત રીતે સામેલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભરૂચ સીટ પરથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કંપની પહેલાં જ પરિવારજનોને 20-20 લાખ રૂપિયા આપી ચૂકી છે. 


Google NewsGoogle News