40 હજારની મત્તા લૂંટવામાં અસફળ થતા ફાયરિંગ કરી 2 લૂંટારું ભાગ્યા હતા
- નડિયાદના સાંથ બજારમાં લૂંટના પ્રયાસ મામલે ફરિયાદ
- મત્તા ભરેલો થેલો ઈશારાથી માંગ્યો પણ ન આપતા અને બૂમાબૂમ થતા બંને બાઈક પર બેસી જતા રહ્યા
નડિયાદ શહેરમાં ભાવસારવાડ સાંથ બજારમાં રહેતા પૃર્ણાક સાળુકે પોતે શહેરના સોની બજારમાં દરગાહની બાજુમાં સુરજ ટચ નામની સોનાની દુકાન ધરાવે છે. ગતરોજ શનિવારે રાત્રે પોણા નવ વાગ્યે આ ઉપરોક્ત દુકાન બંધ કરી પૃણાક સાળુકે પોતાની સાથે એક બેગમાં ૪૦ હજાર રોકડ ભરી અને તેમના કૌટુંબિક માસીના દિકરા સાથે એક્ટીવા પર બેસીને ઘરે આવતા હતા. એક્ટીવા પૃર્ણાકભાઈ ચલાવતા હતા અને પૈસા ભરેલી બેગ તેમણે એકટીવાના પગ આગળ મુકેલી હતી. એકટીવા પાછળ માસીનો દિકરો ઓમકાર બેઠેલ હતો, તેમના દુકાનેથી થોડા આગળ જતા બે ઇસમો રોડની સાઇડે રોડ ઉપર ઉભા હતા અને પૂર્ણાકભાઈ જેવા નજીક જતા આ બંને ઇસમો એકદમ એકટીવા આગળ આવી ઉભા થઈ ગયા હતા. એક્ટીવા ચાલક કઈ સમજે તે પહેલાં જ આ બે પૈકી એક ઈસમે એરગન જેવા હથિયાર કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું.
હાથના ઈસારે આ ઈસમે રૂપિયા ભરેલી બેગ માગી પરંતુ તે ન આપતા બેગ લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બુમરાણ મચાવતા આ બંને લોકો આગળ ઊભેલા મોટરસાયકલ પર બેસીને પલાયન થઈ ગયા હતા. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
લબરમૂછિયાઓની પોલીસને ચેલેન્જ
આ સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં બે નાની ઉંમરના લબરમૂછિયાં અસામાજીક તત્વો ચાલીને જતા દેખાઈ રહ્યા છે, તો અન્ય એક ફૂટેજમાં આ બે ઈસમો એક્ટિવા પર જઈ રહેલા યુવકને રોકતા દેખાય છે. આવા લબરમૂછિયાંને પણ પોલીસનો ડર ન રહ્યો હોય તેમ બિન્દાસ ફાયરિંગ કર્યાની ઘટના બની છે.
અગાઉની ઘટના અંગે પોલીસે મગનું નામ મરી પાડયું નથી
નડિયાદમાં ગતરોજ ભાવસારવાડ ખાતે નજીકમાં જાહેર રોડ પર હવામાં ફાયરિંગ થયું હતું. અગાઉ ઓગસ્ટ માસમાં આ જ વિસ્તારથી ૫૦ મીટરમાં આવેલા દીપ બંગ્લોઝમાં અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભારે ઉહાપોહ મચ્યો હતો. જો કે, બાદમાં તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. પરંતુ આજદીન સુધી પોલીસે આ ઘટના અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.
ઘટના બાદ બંધ સ્ટ્રીટલાટો તંત્રને ચાલુ કરવાનું યાદ આવ્યું
અત્રે જે સ્થળે વેપારીની દુકાન આવેલી છે અને જ્યાં ફાયરિંગની ઘટના બની ત્યાં બે સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી. ઘટનાની જાણ થયા બાદ મનપાના લાઈટ વિભાગના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્ટ્રીટ લાઈટનું તાબડતોડ સમારકામ કરી ચાલુ કરી હતી. જો કે, આ કામગીરી ઘટના બન્યા બાદ કેમ કરાઈ? લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઈટો માટે રાત્રિ સર્વે કરાતો હોય છે, ત્યારે હવે આ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.