શાપરમાં બોલેરોએ બાઈકને હડફેટે લેતા 2 સગાભાઈનાં મોત
બન્ને મૃતક કારખાનામાં મજુરી કરતા હતાં અકસ્માત સર્જ્યા બાદ ચાલક બોલેરો રેઢી મુકી સીધો શાપર પોલીસ મથકે હાજર થઈ ગયો
રાજકોટ, : શાપરમાં ગઈકાલે સાંજે બોલેરોએ બાઈકને હડફેટે લેતા તેની પર સવાર બે સગા ભાઈઓનાં મોત નીપજતાં પરીવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. અકસ્માત સર્જયા બાદ ચાલક બોલેરો રેઢી મુકી સીધો શાપર પોલીસ મથકે હાજર થઈ જતાં પોલીસે તેની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ વાવડીમાં રહેતો અને કારખાનામાં મજુરી કરતો ચંદ્રપ્રકાશ દિનદયાલ વર્મા (ઉ.વ. 32) ગઈકાલે શાપર રહેતા મોટાભાઈ વિર બહાદુર (ઉ.વ. 35)ને ઘરે બેસવા ગયો હતો. આખો દિવસ ત્યાં બેસ્યા બાદ મોડી સાંજે વિર બહાદુર નાનાભાઈ ચંદ્રપ્રકાશને બાઈક પાછળ બેસાડી વાવડી મુકવા જતો હતો ત્યારે શાપરમાં શીતળા મંદિર નજીકનાં પુલ પર પુરપાટ વેગે ધસી આવેલી બોલેરોએ હડફેટે લેતા બન્ને ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી.
તત્કાળ બન્ને ભાઈઓને વધુ સારવાર માંટે રાજકોટની સિવિલમાં લવાયા હતાં. જયાં પરોઢીયે બન્ને ભાઈઓએ વારાફરતી દમ તોડી દીધા હતાં. જાણ થતાં શાપર પોલીસ સ્થળ પર અને સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બન્ને મૃતક ભાઈઓનાં ભાઈ શ્રીચંદભાઈ (ઉ.વ. 30, રહે, શાપર)ની ફરીયાદ પરથી બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
મૃતક ભાઈઓ મુળ યુપીનાં વતની હતાં અને હાલ કારખાનામાં મજુરી કરી પેટીયું રળતા હતાં. મૃતક બન્ને ભાઈઓને સંતાનમાં બે-બે પુત્ર છે. તેમના ભાઈ શ્રીચંદે પોલીસને જણાવ્યું કે, તેઓ કુલ ચાર ભાઈઓ છે. તે શાપરમાં કારખાનામાં મજુરી કામ કરે છે. ગઈકાલે સાંજે તે ઓરડીએ હતો ત્યારે ભાણેજ મનિષ વર્માએ કોલ કરી આ અકસ્માતની જાણ કરતાં સ્થળ પર દોડી ગયો હતો. જયાં જોયું તો તેના બન્ને ભાઈઓ લોહી લુહાણ હાલતમાં પડયા હતાં. બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બન્નેને રાજકોટની સિવિલમાં સારવાર માંટે લઈ આવ્યા હતાં.