Get The App

રાજકોટમાં 20 કિલો ગાંજા સાથે શાપરનાં 2 શખ્સો ઝડપાયા

Updated: May 20th, 2023


Google NewsGoogle News
રાજકોટમાં 20 કિલો ગાંજા સાથે શાપરનાં 2 શખ્સો ઝડપાયા 1 - image


સૂરતથી ગાંજો લઈ આવ્યાનું ખુલ્યું શાપરમાં રહેતી અને અગાઉ માદક દ્રવ્યનાં કેસમાં પકડાયેલી શબાનાએ ગાંજો મંગાવ્યાનું ખુલ્યું

રાજકોટ, : શહેરની હુડકો ચોકડી નજીકથી ગઈકાલે ભક્તિનગર પોલીસે 20  કિલો ગાંજાનાં જથ્થા સાથે શાપરમાં રહેતાં બલવીર હરનારાયણ અહિરવાલ (ઉ.વ. 19) અને મહેશ મનસુખ ઉર્ફે મનુ બાબરીયા (ઉ.વ. 18, રહે, બન્ને બુધ્ધનગર, મફતીયાપરા)ને ઝડપી લીધા હતાં. ગાંજો મંગાવનાર તરીકે શાપરની શબાના બુખારીનુ નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ભક્તિનગર પોલીસને બાતમી મળતા ગઈકાલે રાત્રે હુડકો ચોકડી પાસે બંને આરોપીઓને અટકાવી તેમની પાસે રહેલા બે થેલાની તલાસી લેતાં અંદરથી ૨૦ કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત પોલીસે રૂા 2 લાખ ગણી, રૂા 15,000ની કિંમતનાં બે મોબાઈલ ફોન, રોકડા રૂા. 2590 મળી કુલ રૂા 2.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પુછપરછમાં બંને આરોપીઓએ સૂરતથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આ ગાંજાનો જથ્થો લઈ આવ્યાની અને તેને શાપરની શબાનાએ મંગાવ્યાની કેફિયત આપી છે.

શહેરમાં આ અગાઉ  પકડાયેલા કેટલાય ગાંજાનાં કેસમાં સપ્લાયર તરીકે સૂરતનાં શખ્સોનાં નામો ખુલ્યા છે. ગાંજો મંગાવનાર તરીકે જેનું નામ ખુલ્યું છે તે શાપરની શબાનાને આ અગાઉ 2021ની સાલમાં રૂરલ એસઓજીએ પણ ગાંજાનાં કેસમાં ઝડપી લીધી હતી. ત્યારબાદ તેણે ફરીથી ગાંજાનો વેપલો શરૂ કરી દીધો હતો. ઝડપાયેલા બંને આરોપીઓ શાપરમાં કારખાનામાં મજૂરી કરે છે. આરોપી બલવીર 2022ની સાલમાં દારૂનાં ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

બંને આરોપીઓ કેટલા સમયથી ગાંજાની હેરાફેરી કરે છે, સૂરતમાં કોની પાસેથી ગાંજો લઈ આવતા હતા તે સહિતનાં મુદ્દે માહિતી મેળવવા માટે ભક્તિનગર પોલીસ રિમાન્ડ માંગશે.


Google NewsGoogle News