ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનું કારસ્તાન, ઝારખંડના 2 શખ્સોની ધરપકડ
5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે ઝારખંડનો જ મસ્તાન નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈ આવ્યો હતો, વાંકાનેર રેલ્વે સ્ટેશને ઉતરી ગયો હતો
રાજકોટ, : ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનું કારસ્તાન બહાર આવ્યું છે. રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસે પ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મૂળ ઝારખંડના અને હાલ મોરબીના રંગપર બેલા ગામે રહેતા રાસીકા ફુલચાંદ ગોપ (ઉ.વ. 23) અને પરશોતમ ગુરૂ ગોપ (ઉ.વ. 21)ને ઝડપી લીધા હતા. સપ્લાયર તરીકે ઝારખંડના શખ્સનું નામ ખુલ્યું છે.
રાજકોટ રેલ્વે પોલીસ મથકના પીઆઈ એચ.એમ. રાણાને મળેલી બાતમીના આધારે એલસીબી પીએસઆઈ જયુભા પરમારે ગઈકાલે પ્લેટ ફોર્મ નં. 1 પાસે ઉભેલા બંને આરોપીઓના થેલાની તલાશી લેતા અંદરથી 5 કિલો 95 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત પોલીસે રૂા. 59,500 ગણી હતી. 2 મોબાઈલ ફોન અને બીજો સામાન મળી કુલ રૂા. 76,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એનડીપીએસના કેસમાં રેડીંગ પાર્ટી નિયમ મુજબ તપાસ કરી શકતી નથી. જેથી આ કેસની તપાસ જામનગર રેલ્વેના પીએસઆઈ પી.વી. ડોડીયાને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપી માત્ર કેરીયર છે. તેમના વતનનો મસ્તાન નામનો શખ્સ ઝારખંડથી ટ્રેનમાં આ ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો. મસ્તાન વાંકાનેર રેલ્વે સ્ટેશને ઉતરી ગયો હતો. તેણે બંને આરોપીઓને કોચ અને સીટ નંબર આપી ગાંજાનો જથ્થો લઈ લેવાનું કહેતાં આરોપીઓએ તેમ કર્યું હતું.
ગાંજાનો જથ્થો લઈ લીધા બાદ બંને આરોપીઓ મસ્તાન કહે ત્યાં ડિલેવરી આપવા જવાના હતા. પરંતુ તે પહેલા જ બાતમી મળી જતાં રેલ્વે પોલીસની ઝપટે ચડી ગયા હતા. બંને આરોપીઓ હાલ રંગપર બેલા ગામે આવેલી સિરામીક ફેકટરીમાં નોકરી કરે છે. જામનગર રેલ્વે પોલીસે 3 દિવસના રિમાન્ડ પર લઈ સપ્લાયર મસ્તાનને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.