વડોદરામાં જર્જરિત મકાનનો સ્લેબ તૂટ્યો, ફાયર બ્રિગેડે રેસ્ક્યું કરી માતા-દીકરીનો જીવ બચાવ્યો, એકને ગંભીર ઇજા
Vadodara Slab Collapse : વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં વધુ એક મકાન ધરાશયી થવાનો બનાવ બન્યો છે. જેમાં ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી અને તે પૈકી એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ચાર દરવાજા વિસ્તારમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના વારંવાર બનાવો બની રહ્યા છે અને તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માણી રહ્યું છે. ચાર દિવસ પહેલા જ લાડવાડા વિસ્તારમાં એક હવેલીનો ભાગ બાજુના મકાન પર પડતા તેમાં રહેતા ગૌતમભાઈ ભટ્ટ નામના આધેડનું મોત નિપજયું હતું.
ઉપરોક્ત બનાવ બાદ આજે ચાંપાને દરવાજા પાસે બાજુવાળા વિસ્તારની શેઠ શેરીમાં મુન્નાભાઈ ભટ્ટનું મકાન ધરાશયી થવાનો બનાવ બનતા સ્થાનિક રહીશોના ટોળા જામ્યા હતા.
ઉપરોક્ત મકાનમાં નીચેના ભાગે અક્ષરો બનાવવાનું કારખાનું આવેલું છે. જ્યારે જીતેન્દ્રભાઈ પંચાલનો પરિવાર ઉપરના પહેલા માળે રહે છે જેમાં દિવ્યાંગ દીકરીનો પણ સમાવેશ થાય છે. આજે વહેલી સવારે પહેલા માળનો ભાગ અચાનક ધરાશાયી થતા કૈલાશબેન તેમજ દિવ્યાંગ દીકરી ફસાયા હતા. જ્યારે જીતેન્દ્રભાઈ બહાર નીકળ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ગણતરીની મિનિટોમાં જ મહિલા તેમાં દિવ્યાંગ દીકરીનું રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં મોકલવાની તજવીજ કરાઈ હતી. જેમાં કૈલાશબેનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવના સ્થળે ગેસ તેમજ વીજ કંપનીની ટીમો અને પોલીસ આવી ગયા હતા અને તેમને પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. મકાન તૂટતા વોશિંગ મશીન તેમજ અન્ય ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હતું.