Get The App

જામનગર જીલ્લામાં ત્રણ અકસ્માત: એક બાળકી સહિત બે ના મોત, એક બાળકી સહિત બેને ઈજા

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
જામનગર જીલ્લામાં ત્રણ અકસ્માત: એક બાળકી સહિત બે ના મોત, એક બાળકી સહિત બેને ઈજા 1 - image


Jamnagar Accident : જામનગર શહેર અને કાલાવડમાં જુદા-જુદા ત્રણ વાહન અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે એક બાળકી સહિત બે વ્યક્તિને ઈજા થઈ છે.

લોડર મશીનના ચાલકે બાળકીને હડફેટે લીધી

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક હાપા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા મનીષભાઈ તોલિયાભાઈ ભાભોર નામના મધ્યપ્રદેશના પરપ્રાંતિય શ્રમિક યુવાનની દોઢ વર્ષની પુત્રી કારીબેન ઝુપડાની બહાર રમતી હતી, જે દરમિયાન જી.જે. 10 એ.એમ.2400 નંબરના લોડર મશીનના ચાલકે બાળકીને હડફેટેમાં લઈ કચડી નાખતાં તેણીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. લોડર મશીનના તોતિંગ વ્હીલની નીચે બાળકીનું માથું ચગદાઈ જતાં ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકીના પિતા મનીષભાઈ ભાભોરે લોડર મશીનના ચાલક રાજુ નીનામા સામે ફરિયાદ નોંધાવતાં સિટી એ.ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડમાં અજાણ્યા વાહને બાઈક ચાલકને મારી ટક્કર

અકસ્માતનો બીજો બનાવ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બન્યો હતો. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિજયભાઈ છગનભાઈ મેનપરા નામના 42 વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે વાડીએથી પોતાના જી.જે.10 બી.એચ.1557 નંબરના બાઈકમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેઓને હડફેટમાં લઈ ઠોકરે ચડાવતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.આ અકસ્માતના બનાવ અંગે વિજયભાઈના નાનાભાઈ તુલસીભાઈ છગનભાઈ મેનપરાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાખોટા તળાવ પાસે જીપે બાઈકને મારી ટક્કર

અકસ્માતનો ત્રીજો બનાવ જામનગરમાં લાખોટા તળાવની પાળે બન્યો હતો. જામનગરના શંકર ટેકરી નહેરુનગરમાં રહેતા અને કડિયા કામ કરતા તુલસીભાઈ મોહનભાઈ ગોહિલ પોતાના બાઈકમાં પત્ની પ્રેમીલાબેન તેમજ ભત્રીજી નિરાલી (ઉ.વ. 08)ને બેસાડીને નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે-03 પી.એ. 5444 નંબરની થાર જીપના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તુલસીભાઈ તેમજ તેઓની ભત્રીજી નિરાલીબેનને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે જીપના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News