સુરતમાં આપના કોર્પોરેટરો દ્વારા પે એન્ડ પાર્કના લાંચના કેસની તપાસમાં વરાછા ઝોનના બે અધિકારીઓ રજા પર ઉતરતા અનેક અટકળો
Surat : સુરતમાં આપના બે કોર્પોરેટરો સામે એસીબીએ 10 લાખની લાંચના કેસ નોંધ્યો છે. તે કિસ્સામાં પાલિકાના વરાછા ઝોનના અધિકારીની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. લાંચ માટે પાલિકાની પ્રિમાઈસીસનો ગેરકાયદે ઉપયોગ અને અધિકારીઓની વચેટિયાની ભૂમિકા હોવાનો ફરિયાદ બાદ હાલમાં એસીબીની તપાસ ચાલી રહી છે. જેમાં પાલિકાના અધિકારીઓને તેડું આવ્યું તેઓ રજા પર ઉતરી ગયાની ચર્ચા વરાછા ઝોનમાં થઈ રહી છે.
સુરતમાં આપના વિપુલ સુહાગીયા અને જીતેન્દ્ર કાછડીયાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. જેમાં પાલિકાના વરાછા ઝોનના આસી. કમિશનર અને કાર્યપાલક ઈજનેરની ભૂમિકા સામે કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. પાલિકા કેમ્પસમાં લાંચની ઘટના બની છે અને અધિકારીઓ સામે પણ આક્ષેપ ત્યાં હોવાથી એસીબીએ અગાઉ અધિકારીની પૂછપરછ કરી છે. પરંતુ હવે ફરી વખત એસીબી દ્વારા વરાછાના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલિન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેની પૂછપરછ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેથી આ બંને અધિકારીઓ અચાનક રજા પર ઉતરી ગયા છે તેથી અનેક અટકળો શરૂ થઈ છે.