ગીર સોમનાથ જિલ્લામાં વાહનચાલકોને લૂંટવા માટે વધુ 2 ટોલનાકા તૈયાર, સરકારની લીલીઝંડીની જોવાઇ રહી છે રાહ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ગીર સોમનાથ જિલ્લામાં વાહનચાલકોને લૂંટવા માટે વધુ 2 ટોલનાકા તૈયાર, સરકારની લીલીઝંડીની જોવાઇ રહી છે રાહ 1 - image


New Toll Tax in Gir Somnath : કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી દ્વારા લોકસભામાં આપેલા નિવેદન મુજબ બે ટોલનાકા વચ્ચેનું અંતર 60  કિ.મી. હોય છે. આમ છતાં કોઈ સ્થળે ઓછા અંતરે ટોલનાકુ હોય તો વાહન ચાલકોએ અહી ટોલ આપવાનો થતો નથી. પણ ગીર સોમનાથ જિલ્લામાં ઊભા કરવામાં આવેલ ત્રણે ટોલનાકાનું ફૂલ અંતર 63 કિ.મી. છે એટલે કે એક ટોલનાકું જ વધારે ઊભું કરવામાં આવ્યું છે. વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા છે. સુંદરપુરા ખાતે ઊભું કરાયેલું ટોલનાકું શા માટે છે? તેવો સવાલ ઉઠયો છે.

કોડીનાર તાલુકાના ડોળાસા નજીકના વેળવા ટોલનાકું, અને સુત્રાપાડા તાલુકાના સુંદરપુરા ટોલનાકાનું નિર્માણ પૂર્ણ થયું છે. હવે સરકારની પરવાનગી મળે એટલે વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરવાનું ચાલુ થઈ જશે. પણ  બે ટોલનાકા વચ્ચેનું અંતર 60 કિ.મી. જરૂરી છે, જેથી ગીર સોમનાથ જિલ્લામાં ઉભા કરાયેલા ત્રણ ટોલનાકાઓનું ફૂલ અંતર 63 કિ.મી. હોવાથી લોકો જાણવા માંગે છે કે એક વધારાના ટોલનાકાની મંજૂરી આપી કોણે? 

આ પણ વાંચો : રોડ બન્યો 1869 કરોડમાં અને ટોલ ટેક્સ વસૂલાયો 8349 કરોડ, સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ભભૂક્યો

 સુંદરપુરા ગામે ટોલ ઉઘરાવવાની તૈયારીઓ પૂર્ણ

કોડીનાર તાલુકાના વેળવા અને સુત્રાપાડા તાલુકાના સુંદરપુરા ગામે ટોલ ઉઘરાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. માત્ર સરકારની પરવાનગીની જ રાહ જોવાઇ રહી છે, પણ વેળવા અને સુંદરપરા વચ્ચેનું અંતર માત્ર 30  કિ.મી. છે. સુદરપરાથી વેરાવળ તાલુકાના આદ્રી ટોલનાકાનું અંતર 33  કિ.મી. છે. આમ, 63  કિ.મી.માં ત્રણ ટોલનાકા ઊભા કરવામાં આવ્યા છે. તે પૈકી આદ્રી ટોલનાકું ચાલુ જ છે, જ્યારે વેળવા અને સુંદરપરા ટોલનાકું તૈયાર થઈ ગયું છે.

આ ઉપરાંત વેળવા ટોલનાકાની નજીકના ગામો વેળવા, માલગામ, પાંચ પીપળવા, અડવી, ડોળાસા વિગેરે ગામોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.  કારણ કે અનેક ખેડૂતો એવા છે કે તેઓનું રહેણાક અને જમીન વચ્ચે વેળવા ટોલનાકું આવે છે. અનેક ખેડૂતો એવા છે કે જે કાર ધરાવે છે. અનેક ધંધાર્થીઓ અને નોકરિયાતો એવા છે, જે ડોળાસા રહે છે અને ફરજ કોડીનાર બજાવે છે. એ જ રીતે કેટલાયે લોકો એવા છે, જે કોડીનાર રહે છે અને ડોળાસા કે તેની આજુબાજુમાં ગામો નોકરી કે વ્યવસાય કરે છે. એ પૈકીના અનેક લોકો કારનો ઉપયોગ કરે છે અને દિવસ દરમિયાન એકથી વધુ વાર આ ટોલનાકેથી પસાર થવું પડે છે. જેઓ માત્ર પાંચથી પંદર કિ.મી. આ રોડનો ઉપયોગ કરે છે. જેઓને વેળવા ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા માંગ કરી છે.


Google NewsGoogle News