શહેરના દી૫ક ચોકમાં પ્રેમલગ્નની દાઝે થયેલી હત્યામાં 2 શખ્સને આજીવન કેદ
- 62 દરસ્તાવેજી, 28 મૌખિક પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે બન્ને હત્યારાને સજા ફટકારી
- સવા નવ વર્ષ પૂર્વે બે સગીર સહિત 4 શખ્સે ઘરમાં ઘૂસી પિતા-પુત્રો ઉપર હુમલો કર્યો હતો
સમગ્ર કેસની મળતી વિગત અનુસાર શહેરના દીપકચોક, રામદેવ બેન્ક કોલોની, પ્લોટ નં.૬૭૯/એમાં રહેતા હિતેશભાઈ સનતભાઈ બારૈયા નામના યુવાને હિતેશ ઉર્ફે જાગો દોલતભાઈ ચૌહાણ નામના શખ્સની બહેન સાથે શખ્સની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. તે બાબતની દાઝ રાખી હિતેશ ઉર્ફે જાગો ચૌહાણ, કેવલ હરેશભાઈ ચૌહાણ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોએ ગત તા.૧૦-૧૦-૨૦૧૫ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં લાકડાના ધોકા, પાઈપ સહિતના હથિયારો લઈ યુવાનના ઘરમાં ઘૂસી જઈ હિતેશભાઈના પિતા સનતભાઈ મોહનભાઈ બારૈયાને પાઈપ અને ધોકાથી માથાના ભાગે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર હિતેશભાઈ અને તેમના ભાઈ સતીષભાઈને પણ પાઈપ વગેરેથી આડેધડ માર મારી ગાળો દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા સનતભાઈ બારૈયાનું મૃત્યુ થયું હતું. પ્રેમલગ્નની દાઝમાં થયેલી હત્યા અંગે હિતેશભાઈ બારૈયાએ હિતેશ ઉર્ફે જાગો ચૌહાણ (ઉ.વ.૨૪), કેવલ હરેશભાઈ ચૌહાણ (રહે, બન્ને દીપક ચોક, વાલ્મિકીવાસ, રામાપીરના મંદિર પાસે) અને બે સગીર સામે સ્થાનિક ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૫, ૩૨૩, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી હત્યારા શખ્સોને ઝડપી લીધા હતા.
દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્સ જજ એમ.બી. રાઠૌરની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ આર.જોષીની ધારદાર દલીલો, ૬૨ દસ્તાવેજો, ૨૮ મૌખિક પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી વિદ્વાન ન્યાયમૂર્તિ એમ.બી. રાઠૌરે હત્યારા શખ્સો હિતેશ ઉર્ફે જાગો ચૌહાણ અને કેવલ ચૌહાણને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.